એસએમઈ ચેમ્બર ઓફ ઇન્ડિયા
અમદાવાદ ખાતે ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અધિકારીઓ સાથે ‘રાઉન્ડ ટેબલ’ સંવાદ યોજાયો
ઉદ્યોગોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધતા ઉત્પાદન શક્તિમાં પણ આવ્યો વધારો નિકાસ માટે ગુજરાત હવે ફેવરીટ
ગુજરાતના ઉદ્યોગો માટે યુ.એસમાં વિપુલ તકો: સરકાર અનેકવિધ રીતે આપી રહ્યું છે પ્રોત્સાહન
હાલના સમયમાં ઉદ્યોગોને બેઠા કરવા માટે નિકાસ સૌથી મોટું પરિબર છે. તેમાં પણ જ્યારે લઘુ અને મધ્યમ ઉદ્યોગોની વાત આવે તો આ ઉદ્યોગો વધુને વધુ વિકસિત થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ રીતે પ્રોત્સાહનલક્ષી યોજનાઓની અમલવારી શરૂ કરી છે. ત્યારે આ તમામ યોજનાઓને દરેક નાના અને મધ્યમ ઉદ્યોગો સુધી પહોંચાડવા એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા દ્વારા નવતર પ્રયોગ અને વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ ખાતે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કઈ રીતે વિકસિત બનાવી શકાય અને વિદેશમાં ગુજરાતના ઉદ્યોગો માટે કયા પ્રકારની તકો ઉદ્ભવિત થયેલી છે તે અંગે રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં એક જિલ્લા અને એક પ્રોડક્ટ ઉભું કરવાની વાત કરવામાં આવી રહી છે. જે આગામી સમય માટે ખુબજ ઉપયોગી નીવડશે. સામે ટેકનોલોજી અપગ્રેડેસન પણ એટલુંજ જરૂરી છે. ઉદ્યોગો માટે નિકાસને મળતી ઇનસેન્ટીવ ખુબજ અનિવાર્ય છે. ત્યારે જરૂરી એ છે કે , દરેક ઉદ્યોગકારોએ આ લાભ લેવો જોઈએ. એસએમઇ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને રાજકોટનુ યોગદાન ખુબજ વધુ છે, પરંતુ જે માન્યતા મળવી જોઈએ તે મળી શકી નથી.
આંતરરાષ્ટ્રીય વેપાર આપવા માટે એસએમઇ હર હંમેશ ઉદ્યોગકારોને સાથ સહકાર આપી રહ્યું છે. એસએમઇ અનસ્કીલ્ડને સ્કીલ્ડ બનાવવાનું કાર્ય સાથો સાથ વિદેશમાં ઉદ્યોગોને યોગ્ય માળખાગત સુવિધાઓ મળી રહે તે પણ એટલું જ અનિવાર્ય છે. ઘણા ઉદ્યોગો એવા છે કે જેઓ ને ખ્યાલ નથી કે તેમની માટે કેટલા પ્રકારના ઈન્સ્યોરન્સ આપવામાં આવતા હોય છે. એસએમઇ ક્ષેત્ર અને ઝડપથી દરેક ચીજ વસ્તુઓ મળતી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે જેમાં ગુજરાતની સાથોસાથ મહારાષ્ટ્ર અને તમિલનાડુ નો પણ સમાવેશ થયો છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગને ઝડપથી વિકસિત કરવા માટે સરકાર અને વિવિધ બેંકો ખૂબ મહેનત કરી રહી છે પરંતુ હવે જરૂર એ છે કે જે ઉદ્યોગકારોને સરકારની યોજના અંગેનો ખ્યાલ નથી તેઓ જાગૃત બને. પોતાના વ્યવસાયને વિકસિત કરવા માટે તેઓ વિદેશમાં પણ જાય.
લઘુ અને મધ્યમ ઉદ્યોગોની મહત્વતા
- દેશમાં 5 કરોડથી વધુ લઘુ અને મધ્યમ યુનિટો કાર્યરત
- દેશના કુલ નિકાસમાં 50 ટકાનો સિંહ ફાળો
- 10000થી વધુ ચીજ વસ્તુઓનું કરાઈ રહ્યું છે ઉત્પાદન
- 40 ટકાના વૃદ્ધિ દર સાથે ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે
- દેશના જીડીપીમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો 29 ટકા હિસ્સો
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અનેક નવા આયામો સર કરાવશે: જોસેફ લિબાસ
ઇન્ડિયા યુએસ એસએમઇ બિઝનેસ કાઉન્સિલના સ્થાપક જોસેફ લિબાસે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અનેક નવા આયામો સર કરશે. કારણ કે સમગ્ર વિશ્વ હવે ચાઇના ને નહીં પરંતુ ભારત પાસેથી વ્યાપાર કરવા માટે આગળ આવી રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે ભારતે વિશ્વના અન્ય દેશોમાં પોતાના પરનો ભરોસો સ્થાપિત કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા વ્યાપારની દ્રષ્ટિએ સૌથી મોટું માર્કેટ છે જો તેને યોગ્ય રીતે સર કરવામાં આવે તો ઘણા ફાયદાઓ મળતા રહેશે. બંને દેશો વિજ્ઞાાન અને ટેક્નોલોજી, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંરક્ષણ અને સલામતીના ક્ષેત્રમાં ખૂબ જ ગાઢ રીતે કામ કરશે કારણ કે આ ક્ષેત્રમાં વ્યવસાય કરવા માટે ઘણી તક છે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકસિત કરવામાં એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા ખૂબ ઉપયોગી : ચંદ્રકાંત શાલુંખે
ગુજરાત અને સમગ્ર ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકસિત બનાવવા સરકાર જે રીતે મહેનત કરી રહી છે તેને ધ્યાને લઈ એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા પણ સતત આગળ આવે છે અને વધુને વધુ ઉદ્યોગો અને ઉદ્યોગકારો વિકસિત થાય તે હેતુસર આગળ વધી રહી છે. સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શાલુંખેએ જણાવ્યું હતું કે હાલ ભારતના ઉદ્યોગકારો માટે અમેરિકામાં ખૂબ સારી એવી તક ઉદભવિત થઈ છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે અમેરિકા યાત્રા કરવામાં આવી તેનાથી ઘણા ફાયદા પહોંચ્યા છે અને સરકારે ભારતના ઉદ્યોગો માટે અનેક નવા નિયમો ની અમલવારી પણ શરૂ કરી છે. બીજી તરફ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં અમેરિકાના અનેક શહેરોમાં રોજગારીની વિપુલ તકો છે જેને
યોગ્ય રીતે અપનાવવામાં આવે તો દેશની સાથોસાથ ઉદ્યોગોનો પણ સંપૂર્ણ વિકાસ થાય. તેઓએ જણાવ્યું હતું કે સામે પડકારો પણ એટલા જ છે કારણ કે જે યોગ્ય માહિતી ઉદ્યોગકારોને મળવી જોઈએ તે મળી શકતી નથી.