ઔદ્યોગિક વિકાસની ઝડપ વધતા ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 8.7 ટકાએ પહોંચ્યો: જીડીપીમાં હજુ પણ સુધારાના ઉજળા સંકેતો
દેશનું અર્થતંત્ર ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં ચોથા ત્રિમાસિકના વિકાસદરના આંકડા મંગળવારે જાહેર કરવામાં આવ્યા છે. નાણાકિય વર્ષ 2021-22ના અંતિમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.1 ટકા રહ્યો છે. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ તે તે 8.7 ટકા રહ્યો છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસાના સારા સંકેતો વચ્ચે આ વિકાસદર પણ શુભ સંકેત છે. જોકે, કોરોનાના બે વર્ષમાં અર્થવ્યવસ્થા બાદ ઔદ્યોગિક વિકાસની ઝડપ પણ ફરીથી વધી રહી છે.
મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 2021-22ના ચોથા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થાએ 4.1 ટકાની વૃદ્ધિ કરી છે જેના પરિણામે એન્યુઅલ ગ્રોથ રેટ 8.7 ટકા સુધી પહોંચ્યો છે. જોકે, જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં વૃદ્ધિ દર ઓક્ટોબરથી ડિસેમ્બર 2021-22ના અગાઉના ક્વાર્ટરના 5.4 ટકાની તુલનામાં ધીમો રહ્યો હતો. વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટર દરમિયાન ભારતનો આર્થિક વૃદ્ધિદર ધીમો હોવા માટે કોરોના વાયરસના ઓમિક્રોન્ટ વેરિયન્ટના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધ, વૈશ્વિક આપૂર્તિમાં ઘટાડો અને ઈનપુટના ખર્ચમાં વધારા જેવા કારણો રહ્યા હતા.
એશિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમીએ કોરોના રોગચાળા દ્વારા આવેલી મંદીમાંથી બહાર આવવાનું શરૂ કર્યું હતું ત્યારે જ આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસોના કારણે ફરીથી પ્રતિબંધો લાવવા પડ્યા હતા. ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર યુદ્ધ કરીને આ સંકટને વધાર્યો હતો. જેના કારણે કોમોડિટી પ્રાઈસ વધી અને આપૂર્તિને પણ અસર પહોંચી હતી.
નાણાકીય વર્ષ 2020-21માં જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયમાં જીડીપીમાં 2.5 ટકાનો વધારો થયો છે. સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ 2021-22ના સમગ્ર વર્ષ દરમિયાન જીડીપીનો વૃદ્ધિ દર 8.7 ટકા રહ્યો છે જ્યારે તેના અગાઉના વર્ષ 2020-21માં અર્થવ્યવસ્થામાં 6.6 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, માર્ચ 2022માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના વૃદ્ધિના આંકડા એનએસઓના પૂર્વાનુમાનથી ઓછા રહ્યા છે. એનએસઓ દ્વારા 8.9 ટકા વૃદ્ધિ દર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.