- અગાઉના ક્વાર્ટરમાં જીડીપી 6.7 ટકા જ્યારે આ જુલાઈ-સપ્ટેમ્બર જીડીપી 5.4 ટકા પર રહ્યો
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા ધીમી પડી છે. શુક્રવારના રોજ જાહેર કરાયેલા ડેટા અનુસાર, દેશનો આર્થિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટીને 5.4% થયો છે, જે લગભગ બે વર્ષમાં સૌથી નીચો સ્તર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શન અને લોકોની ખરીદ શક્તિમાં થયેલ ઘટાડાને કારણે દેશની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી છે. ગત્ વર્ષના સમાન ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર 8.1 ટકા હતો અને અગાઉના ક્વાર્ટરમાં 6.7 ટકા હતો. અગાઉ, નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 4.3% હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો જીડીપી વૃદ્ધિ દર 4.6% હતો. પરંતુ આ ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના સપના સામે પડકાર રૂપ છે.
ભારત આગામી ત્રણ વર્ષમાં 5 ટ્રિલિયન અને 2030 સુધીમાં 7 ટ્રિલિયનના અર્થતંત્ર બનવાની અપેક્ષા છે. પરંતુ બીજા ક્વાર્ટરના આંકડા નિરાશાજનક છે. બીજા ક્વાર્ટરમાં લોકોની ખરીદ શક્તિ ઘટવાના કારણે દેશની જીડીપી વૃદ્ધિ નીચી રહેશે તેવું નિષ્ણાતો માની જ રહ્યા હતા. પરંતુ, જીડીપી દર તેમની અપેક્ષા કરતાં પણ નીચા સ્તરે પહોચ્યો છે. ઈટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં, 17 અર્થશાસ્ત્રીઓએ તે 6.5 ટકા હોવાનો અંદાજ મૂક્યો હતો જ્યારે છઇઈંનો અંદાજ 7 ટકાનો હતો. જેની સામે દર 5.4 ટકા રહ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસના ડેટા અનુસાર, ઉત્પાદન અને ખાણકામ ક્ષેત્રના નબળા પ્રદર્શન તેમજ વધતી મોંઘવારીના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટવાથી બીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટ્યો હતો. જો કે, સારી વાત એ છે કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર વધીને 3.5 ટકા થયો છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.7 ટકા હતો. પરંતુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર ઘટીને 2.2 ટકા થયો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 14.3 ટકાના દરે વધ્યો હતો. ’માઇનિંગ એન્ડ ક્વોરીંગ’ સેક્ટરનો વિકાસ દર પણ છેલ્લા ક્વાર્ટરમાં નોંધપાત્ર રીતે ઘટીને 0.01 ટકા થયો હતો, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે 11.1 ટકા વધ્યો હતો.
આર્થિક નિષ્ણાતોના મતે, બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ ધીમી થવાના ઘણા કારણો છે. વધતી જતી મોંઘવારી અને ઊંચા વ્યાજદર આમાં મહત્વના છે. આ સાથે, વેતનમાં પણ કોઈ નોંધપાત્ર વધારો થયો નથી જેના કારણે વપરાશને પ્રોત્સાહન મળ્યું નથી. ઘણા કેન્દ્રીય મંત્રીઓએ આરબીઆઈને વ્યાજ દર ઘટાડવાની અપીલ કરી છે. તેનાથી લોન લેવી સસ્તી થશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પરિણામો પણ ખૂબ જ નિરાશાજનક રહ્યા હતા. જેના કારણે શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે વિદેશી રોકાણકારો પણ ભારતમાંથી ઝડપથી નાણાં ઉપાડી રહ્યા છે.
બીજા ક્વાર્ટરમાં કંપનીઓના નબળા પરિણામોએ નવા રોકાણ અને વિસ્તરણ યોજનાઓ અંગે ચિંતા વધારી છે. આને અર્થતંત્ર માટે ખતરાના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે જીડીપી ગ્રોથ બીજા હાફમાં વધુ સારો રહી શકે છે. આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 7.2% રહેવાનો અંદાજ મૂક્યો છે. આ માટે અર્થવ્યવસ્થાએ બીજા હાફમાં ઘણું સારું પ્રદર્શન કરવું પડશે. જો આરબીઆઈ આગામી એમપિસી મીટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કરે તો વપરાશમાં વધારો થઈ શકે છે. તેની અસર જીડીપી ગ્રોથ પર પણ જોવા મળી શકે છે.