કોરોના મહામારી કે જેણે વિશ્વ સમક્ષ અનેક પડકારો મૂક્યા. વિશ્વના દરેક દેશ પર ગંભીર, નકારાત્મક અસરો ઉભી કરી. એમાં પણ જો સૌથી વધુ અસર ઉપજી હોય તો તે છે આર્થિક ક્ષેત્ર. કોરોનાએ ભલભલા વિકસિત દેશોને વર્ષો પાછળ ધકેલી દીધા છે. જેમાંથી ભારત પણ બાકાત નથી. પરંતુ હવે ભારતીય અર્થતંત્ર આ કપરાકાળમાંથી ઉગરી ગયું છે. પ્રથમ લહેરની જે નકારાત્મક અસરો હતી તે પાછળ છુટ્ટી ગઈ છે. હવે બસ ભારત આગળ ધપી રહ્યું છે તો આર્થિક વૃદ્ધિ અને સર્વાંગી વિકાસ તરફ…. કેન્દ્રની મોદી સરકાર અને રીઝર્વ બેંકના સમન્વયી નિર્ણયોને કારણે બજાર ટનાટન રહેવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. અર્થતંત્રએ ફરી મજબૂતાઈ પકડતા ભારતનો જીડીપી દર ફરી ડબલ ડિજિટ હાંસલ કરે તેવી પ્રબળ સંભાવના છે.

આર્થિક થિંક ટેન્ક તરીકે ઓળખાતી અને અર્થતંત્ર પર વિશ્લેષણ અને શોધખોળ કરનારી રાષ્ટ્રીય કાઉન્સિલ (એનસીએઈઆર)એ તાજેતરમાં એક રિપોર્ટ પ્રસ્તુત કર્યો છે જેમાં તેણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃધ્ધિ દર 8.4 ટકાથી 10.1 ટકા વધશે તેમ ધારણા વ્યક્ત કરી છે. તેમજ પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે  એપ્રિલથી જૂન માસમાં જ જીડીપી ડબલ ડિજિટે પહોંચી 11 ટકાથી વધુનો વૃદ્ધિદર રહેશે તેમ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની પ્રથમ લહેરને કારણે પાછલા નાણાકીય વર્ષમાં આર્થિક વૃધ્ધિ દરમાં 3.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે સરકાર અને રિઝર્વ બેંકના નિર્ણયો તેમજ રાહત પેકેજને કારણે બજારમાં તરલતા આવતા અર્થવ્યવસ્થા ફરી મજબૂત પકડ પકડી રહી છે. જે પાછળ કૃષિ તેમજ વધતી જતી નિકાસ પણ મહત્વનું કારણ છે.

નોંધનિય છે કે આ અગાઉ પણ વિશ્વના અને ભારત દેશના મોટા ભાગના નિષ્ણાંતોએ એક મત રજૂ કર્યો છે કે પ્રથમ લહેર જેટલી બીજી લહેર ઘાતકી સાબિત નહીં થાય. બીજી લહેર ભલે જોખમી રહી પણ તેમ છતાં અર્થતંત્ર પર ઉની આંચ નહિ આવે. ભારતીય અર્થવ્યવસ્થા એ હવે V શેપમાં રિકવરી હાંસલ કરવાનું શરૂ કરી દીધું છે. જેના પરિણામ સ્વરૂપ જ જુલાઈ માસથી બજાર ફરી ઝડપભેર ધમધમવા લાગશે. અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગશે અને ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી દર 9.5 ટકાથી 10 ટકાની વચ્ચે રહેવાનો અનુમાન છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ સહિતના અર્થશાસ્ત્રીઓ તેમજ ટ્રેન્ટના અધ્યક્ષ નોએલ એન. ટાટાએ પણ અર્થતંત્રના હકારાત્મક વેગની ધારણા રજૂ કરી હતી.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઇકોનોમિક રિસર્ચ (એનસીએઇઆર)એ અર્થતંત્રની ત્રિમાસિક સમીક્ષા રજૂ કરતા આર્થિક વિકાસને વેગ આપવા માટે મજબૂત આર્થિક સહાય પર ભાર મૂક્યો છે. એનસીએઇઆરએ નિવેદનમાં કહ્યું છે કે અમારું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 11.5 ટકા વૃદ્ધિ કરશે, જ્યારે સંપૂર્ણ નાણાકીય વર્ષમાં 8.4 થી 10.1 ટકાની વૃદ્ધિ થશે. ગત વર્ષે 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જે મોટી નુકસાની થઈ હતી તે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભરપાઈ થઈ જશે. ચાલુ વર્ષ 2021-22ના અંતમાં, જીડીપી 2019-20ની જેમ સ્થિર ભાવો પર 146 લાખ કરોડને બરાબર રહેશે.

COVID-19ના બીજા તરંગની ટોચ દરમિયાન, એપ્રિલ અને મે માસમાં લોકડાઉન તેમજ કડક પ્રતિબંધોને કારણે આર્થિક પ્રવૃત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો. જો કે, હવે ગત મહિનાથી અનલોકની પ્રક્રિયા શરૂ થતા રિકવરી ઝડપથી વધી છે. એનસીએઇઆરએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસ પ્રક્રિયાને પુન:સ્થાપિત કરવા માટે આર્થિક પ્રક્રિયાને હવે મજબૂત સકારાત્મક દબાણ આપવાની જરૂર છે. સાથે એમ પણ કહ્યું કે સદભાગ્યે વૈશ્વિક અર્થતંત્રમાં સુધારણા સાથે નિકાસમાં હજુ વધુ વધારો થવાની ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.