લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરવા, શિસ્તભંગની કાર્યવાહીના કિસ્સામાં ઇજનેરોને થતો અન્યાય અટકાવવા તેમજ ઇજનેરોને ઇસ્ટોલેશન ચેકીંગની કામગીરીમાંથી મુક્તી આપવાની માંગ
અબતક, રાજકોટ
જીબીઆ દ્વારા લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરવા શિસ્તભંગની કાર્યવાહીના કિસ્સામાં ઇજનેરોને થતો અન્યાય અટકાવવા તેમજ ઇજનેરોને ઇસ્ટોલેશન ચેકીંગની કામગીરીમાંથી મુક્તી આપવા બાબતે પીજીવીસીએલના એનડીને રજૂઆત કરવામાં આવી છે. જો આ પ્રશ્નોનો નીવેડો નહીં આવે તો આગામી 21મીથી વર્ક ટુ રૂલ અને અસહકાર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
જીબીઆ દ્વારા જણાવાયું છે કે હાલ પીજીવીસીએલમાં 90થી વધારે જુનિયર ઇજનેરથી ચીફ ઇજનેર સુધીની જગ્યાઓ ખાલી છે. જીબીઆ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇપણ પ્રકારની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ નથી. તમામ સર્કલમાં મોટા પ્રમાણમાં લાંબા સમયથી ઇજનેરોની ખાલી જગ્યાઓને કારણે હયાત ઇજનેરો પર કામનું ભારણ અતિશય વધી ગયેલ છે, જે ઘટાડવું. જી.યુ.વી.એન.એલ. દ્વારા પીજીવીસીએલ માટે જે 67 જુનિયર ઇજનેર તથા નાયબ ઇજનેરની પોસ્ટ મંજૂર કરવામાં આવેલ છે, તે જગ્યાઓને પીજીવીસીએલના સર્વાંગી વિકાસ માટે એચટી વીજ જોડાણની અતિભારે કામગીરી વાળા ડીવીઝનની મીટર ટેસ્ટીંગ લેબમાં નાયબ ઇજનેરની જગ્યા અપગ્રેડ કરી તાત્કાલીક ભરવી તેમજ સોલાર રૂફટોપની અરજીઓની સંખ્યાના આધારે સબ ડીવીઝન તથા ડીવીઝનમાં નવી જગ્યાઓ મજૂર કરી તાત્કાલીક ભરવી. તેમજ ખાલી પોસ્ટ ભરવા માટે સૌપ્રથમ લોકલ રીક્વેસ્ટને પ્રાધાન્ય આપવું અને ત્યારબાદ જ બહારથી આવેલ ઇજનેરોને પોસ્ટીંગ આપવા. ઇજનેરોના સર્કલ ચેન્જના બદલીના કિસ્સામાં લાંબા સમયથી ઓર્ડર આવ્યા છતાં છૂટા કરવામાં આવતા નથી તેઓને તાત્કાલીક છૂટા કરવા જણાવાયું હતું.
પીજીવીસીએલના વિવિધ વિભાગના ડી.ઓ.પી. પ્રમાણે દરેકને સોપેલ સતા અને જવાબદારી મુજબ કાર્યવાહી કરવા સુચના આપવી માત્ર નામી અનામી અરજીના આધારે કારણદર્શક નોટીસ આપી ઇજનેરોને પ્રમોશનથી વંચિત રાખવામાં આવે છે. તેમજ ઇજનેરોની નિવૃતિ વખતે તેઓના નિવૃતિ વખતની મરણમૂડીના નાણા, પરિપત્રોના ખોટા અર્થઘટન કરીને રોકવામાં આવે છે. જેને જીબીઆ સખત શબ્દોમાં વખોડે છે. તે બાબત અત્યંત દુ:ખદ છે.
વિવિધ ઇજનેરોની શીસ્તભંગના કાર્યવાહીની અને વાર્ષિક અહેવાલના એડવર્સ રીમાર્કની અપીલ કુદરતી ન્યાયના સિદ્વાંત મુજબ સમયસર નિકાલ કરવામાં આવતો નથી તેમજ અમુક કિસ્સામાં ઇજનેરોને સાંભળ્યા વગર એકતરફી નિર્ણય લઇ ઇજનેરોને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવે છે. તો ઇજનેરોની અપીલોને સાંભળવાની કાર્યવાહી કરી તેઓને ત્વરિત ન્યાય અપાવવો. જે ઇજનેરોની અપીલોને સાંભળવાની કાર્યવાહી કરી તેઓને કઇ બાબતમાં પ્રમોશનથી વંચિત રાખેલ છે તે અંગે ઇજનેરોને માહિતી આપવામાં આવતી નથી, તો ઇજનેરોને જરૂરી માહિતી પૂરી પાડવી.
પેટા વિભાગીય કચેરીઓના ઇજનેરોને સંચાલન અને નિભાવની ખૂબ જ મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારની કામગીરી કરવાની હોય છે. તેઓના કામના ભારણને ધ્યાનમાં રાખતા તેઓને ઇસ્ટોલેશન ચેકિંગની કામગીરીમાંથી મુક્તિ આપવી આ મુદ્ાઓનું પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા હકારાત્મક નિરાકરણ કરી અમલ કરવામાં નહીં આવે તો જીબીઆ દ્વારા નાછૂટકે તા.21થી વર્ક ટુ રૂલ અને અસહકારના આંદોલનની અમલવારી ચાલુ કરવાની ફરજ પડશે. તેમ પીજીવીસીએલના જીબીઆના જનરલ સેક્રેટરી ડી.એન. સાવલીયાની યાદીમાં જણાવાયું છે.