તમામ જિલ્લામાં રાહત સામગ્રીનો સ્ટોક પહોંચાડી દેવાયો : ધિકારીઓની રજા કેન્સલ.
હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર ચક્રવાતી તોફાન ગાજા આજે સવારે તામિલનાડુનાં સમુદ્ર કિનારે ટકરાયું છે. આ દરમ્યાન ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વહેલી સવાર સુધી બંગાળની ખાડી પર તોફાન ગાજા ચેન્નઈથી લગભગ ૩૮૦ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ અને નાગાપટ્ટિનમથી ૪૦૦ કિમી દૂર ઉત્તર-પૂર્વમાં સ્થિત હતું. આજે (ગુરુવારે) આ વિનાશક તોફાન કુડ્ડલુર અને પમ્બાન વચ્ચે ત્રાટકી શકે છે.
ચેન્નઈ સહિત ઘણાં શહેરોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગાજા તોફાન આજે કુડ્ડલુર અને પમ્બાનને પાર કરીને સીધું તામિલનાડુના કિનારે ટકરાયું હતું. તંજૌર, તિરુવરુર, પુડુકોટ્ટઈ, નાગાપટ્ટિનમ, કુડ્ડલુર અને રામનાથપુરમના જિલ્લા કલેક્ટરોએ તમામ શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. તોફાનને ધ્યાનમાં રાખીને પુડ્ડુચેરી અને કરાઈકલ વિસ્તારમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગાજાનાં કારણે ભારતીય સેના અને નૌસેનાને પણ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વ નૌસેના કમાન (ઈએનસી)એ આવશ્યક માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ઉચ્ચ સ્તરીય તૈયારીઓ કરી લીધી છે. બે ભારતીય નૌસૈનિક જહાજ રણવીર અને ખંજર સહાયતા અને સંકટ રાહત માટે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં આગળ વધવા માટે તૈયાર છે.
અધિકારીઓનાં જણાવ્યાં પ્રમાણે આ જહાજમાં રેસ્ક્યૂ ટીમ, ડોક્ટર, હવાવાળી રબરની નાવ, હેલિકોપ્ટર અને રાહત સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. ચક્રવાતી તોફાન ગાજાની તીવ્રતા આજે સાંજે કે રાતે ખૂબ વધવાની સંભાવના હોવાથી તમામ જિલ્લાનાં અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે અને સરકારી અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.
તામિલનાડુ સરકાર પહેલાંથી જ ૩૦,પ૦૦ રાહત-બચાવ કાર્મચારીઓ તહેનાત કરવાની જાહેરાત કરી ચૂકી છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા રાજ્યના તમામ બંધ ઉપર સતત ચાંપતી નજર રાખવાના આદેશ પણ જારી કરવામાં આવ્યાં છે. તામિલનાડુનાં મહેસૂલ પ્રધાન આર.બી. ઉદયકુમારે જણાવ્યું કે રાજ્યના તમામ બંધ, તળાવ અને નદીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
નદીઓમાં જળ સ્તર ભયજનક સપાટીએ પહોંચે તે પહેલાં જ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. રાજ્ય સરકારે ઓઈલ કંપનીઓ સાથે વાતચીત કરીને તેમને ઈંધણનો પર્યાપ્ત જથ્થો સ્ટોકમાં રાખવા જણાવ્યું છે. તમામ લોકોને પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
પુડ્ડુચેરીનાં મુખ્યપ્રધાન વી. નારાયણસામીએ કરાઈકલ જિલ્લાનાં તિરુનલ્લારમાં વિભિન્ન વિભાગનાં અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી હતી અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા પ્રશાસનને રાહત સામગ્રીઓનો સ્ટોક કરી રાખવા અને લોકોને પૂરી મદદ કરવા આદેશ કર્યા છે. નાગાપટ્ટિનમનાં જિલ્લા અધિકારી સી. સુરેશકુમારે જણાવ્યું કે તંત્ર કોઈ પણ આકસ્મિક સ્થિતિ સામે લડવા તૈયાર છે અને અમારા તરફથી તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે.
અસરગ્રસ્ત લોકોને રાખવા માટે રર શિબિર તૈયાર કરવામાં આવી છે. રાજ્યનાં તમામ જિલ્લા હેડક્વાર્ટરમાં એક ક્ધટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે, જે ર૪ કલાક કાર્યરત રહેશે અને લોકોનાં સીધા સંપર્કમાં રહીને તેમને જરૂરી સહાયતા પહોંચાડશે.