ગીર-સોમનાથ જિલ્લામાં નુકશાની-રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા અધિક મુખ્ય સચિવ
જીલ્લાના વીજ પુન:સ્થાપન માટે બાકી રહેલા ગામોમાં તાત્કાલીક કામગીરી પૂર્ણ કરવા સૂચન
તાઉતે વાવાઝોડા સંદર્ભે કલેક્ટર કચેરી, ઇણાજ, ગીર સોમનાથ ખાતે આજે અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ ગીર-સોમનાથ જિલ્લામાં થયેલી નુકસાની અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી રાહત બચાવની કામગીરીની અભ્યાસુ સમીક્ષા કરી પ્રભાવિત વિસ્તારોમાં બાકી રહેતી જનસેવાની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી.
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ ગીર સોમનાથ જિલ્લાના કલેકટર અજય પ્રકાશ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખટાલે તેમજ પીજીવીસીએલ ખેતી, બાગાયત, માર્ગ અને મકાન વિભાગ તેમજ રેવન્યુ અને પંચાયત, બીએસએનએલ, પાણી પુરવઠા બોર્ડ સહિત મુખ્ય લાઈન ડિપાર્ટમેન્ટના દરેક અધિકારી પાસેથી વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવીને રાહત બચાવની કામગીરી અને લોકોને તત્કાલ રાહત પહોંચાડવા માટે અને સહાય આપવા માટે કરવામાં આવેલી કામગીરીની માહિતી જાણી આ કામગીરીને વધુ સચોટ તેમજ ઝડપી બનાવવા માટે દરેક મુદ્દે ચર્ચા કરી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
અધિક મુખ્ય સચિવએ પીજીવીસીએલના વરિષ્ઠ અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સથી પણ ચર્ચા કરી જિલ્લાના પીજીવીસીએલના અધિકારીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો તાગ મેળવી ઉના અને ગીરગઢડા તાલુકાના બાકી રહેલા ગામોમાં વહેલાસર વીજપુરવઠો પુન: સ્થાપિત થાય તે માટે તાકીદ કરી હતી.
ગીર-સોમનાથ જિલ્લામાં સ્થળાંતરિત કરાયેલા 7027 વ્યક્તિઓને કેશડોલ સહાય ચૂકવી દેવામાં આવેલ છે. મકાનોની તેમજ ખેતી અને બાગાયતમાં થયેલ નુકશાની અંગે 70% સર્વે પૂર્ણ થયેલ છે. જિલ્લામાં વાવાઝોડાને લીધે 14 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. મૃતકોના વારસદારોને રાજ્ય સરકાર તરફથી નિયત કરાયેલ રૂા.4 લાખની સહાય રકમ મંજૂર કરીને ચુકવણી કરવામાં આવી રહી છે.
ખેતી બાગાયત મકાનો સહિતના નુકસાન અંગેના સર્વેમાં નિયમોનુસાર કામગીરી થાય તેમજ સચોટ અને આધારભૂત સર્વે થાય તે માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને ડેટાબેઝ તૈયાર કરવા જણાવ્યું હતું.