નિવેદનોનું સ્તર જાળવવા સુપ્રીમ કોર્ટની કોંગી પ્રવક્તાને કડક શબ્દોમાં ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવા મામલે કોંગી નેતા પવન ખેરાની નાટકીય રીતે ધરપકડ કરવામાં આવ્યા બાદ થોડી જ કલાકોમાં અદાલતે કોંગી નેતાને વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ કોર્ટે આ સમયે કોંગી નેતાને હલકી ટિપ્પણી કરવા બદલ આકરો ઠપકો પણ આપ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, કોંગી નેતા પવન ખેરાએ જાહેર મંચ પરથી વડાપ્રધાનનું નામ લેતા ‘નરેન્દ્ર ગૌતમદાસ મોદી’ નામનો શબ્દો વાપર્યો હતો અને ત્યારબાદ પૂછ્યું હતું કે, ‘ગૌતમદાસ કે દામોદરદાસ’? જે મામલે પણ ગુન્હો નોંધાયો હતો.
વિવાદાસ્પદ ટીપ્પણી કરવાના કેસમાં કોંગ્રેસ નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પવન ખેરાને વચગાળાના જામીન આપ્યા છે. હાલ મંગળવાર સુધી તેમની ધરપકડ નહીં કરી શકાય. આ સમયમાં તેમણે નિયમિત જામીન માટે અરજી કરવાની રહેશે. પવન ખેડા ગુરુવારે કોંગ્રેસ મહાઅધિવેશનમાં ભાગ લેવા રાયપુર જઈ રહ્યા હતા ત્યારે જ દિલ્હી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરાઈ હતી. પોલીસે કહ્યું કે, આસામ પોલીસની વિનંતીના પગલે ખેરાની ધરપકડ કરાઈ છે.
છત્તિસગઢના પાટનગર રાયપુરમાં કોંગ્રેસનું ત્રણ દિવસનું મહાઅધિવેશન થવાનું છે. તેના માટે કોંગ્રેસના નેતા પવન ખેરા અન્ય નેતાઓ સાથે ઈન્ડિગોની ફ્લાઈટમાં રાયપુર જઈ રહ્યા હતા. તે જ સમયે દિલ્હી પોલીસે ફ્લાઈટમાંથી ઉતારી તેમની ધરપકડ કરી હતી, જેને પગલે અન્ય કોંગ્રેસ નેતાઓએ એરપોર્ટ પર જ ધરણાં કર્યા હતા. દિલ્હી પોલીસે દાવો કર્યો કે આસામ પોલીસની ભલામણ પર તેમણે તેમની ધરપકડ કરી છે. કોંગ્રેસ નેતા પવન ખેરા સામે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ઉત્તર પ્રદેશમાં લખનઉ અને બનારસ તથા આસામમાં એમ કુલ ત્રણ કેસ થયા છે.
પવન ખેરાની ધરપકડ ટાળવા માટે કોંગ્રેસે ગુરુવારે તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને ત્રણેય એફઆઈઆરને ક્લબ કરીને રદ કરવા માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશો એમઆર શાહ અને પીએસ નરસિંહાની બેન્ચે આ કેસની સુનાવણી કરતાં ત્રણેય એફઆઈઆર ક્લબ કરી હતી, પરંતુ તેને રદ કરવાની કોંગ્રેસની માગણી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આસામ પોલીસે કહ્યું કે, તેમણે ખેરાની ધરપકડ કરી છે અને તેઓ ટ્રાન્ઝિટ રિમાન્ડ ઈચ્છે છે, તેના માટે ખેરાને દ્વારકા કોર્ટ લઈ જવાયા છે.
બેન્ચે સુનાવણી પછી પવન ખેરાને રાહત આપતા મંગળવાર સુધી વચગાળાના જામીન આપ્યા હતા. બેન્ચે કહ્યું કે પવન ખેરાએ આ સમયમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવાની રહેશે. તે સમયે સુનાવણી કરતાં કોર્ટ દલીલો સાંભળીને જામીન આપવા કે નહીં તે નિશ્ચિત કરશે. બેન્ચે ઉમેર્યુ કે, પવન ખેરા વિરુદ્ધ થયેલી ત્રણેય એફઆઈઆરને ક્લબ કરવામાં આવે છે. બધી જ એફઆઈઆર એક રાજ્યમાં નિર્ધારિત કરાશે. જેથી તેઓ રાહત માટે હાઈકોર્ટમાં જઈ શકે. હવે સોમવારે કોર્ટ એ નક્કી કરશે કે આ ક્લબ કરાયેલી એફઆઈઆર પર સુનાવણી દિલ્હી, યુપી-એનસીઆર અથવા આસામમાંથી ક્યાં થાય.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પવન ખેરાને ચેતવણી આપતા કહ્યું હતું કે, તમને સંરક્ષણ અપાયું છે, પરંતુ વાતચીત કે નિવેદનોનું કંઈક સ્તર હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયન આસામ પોલીસના વકીલે પવન ખેરાના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો ત્રણ-ચાર વખત ચલાવીને બતાવ્યો અને દાવો કર્યો કે ખેરાએ ભૂલમાં નહીં, પરંતુ સમજી-વિચારીને પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.