અદાણી હિંડનબર્ગ કેસ પર સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે એસઆઈટીને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી કહ્યું કે સેબીની તપાસ પર કોઈ પણ પ્રકારની શંકા નથી. સુપ્રીમ કોર્ટ તરફથી કેસમાં સેબીને તપાસ માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 નવેમ્બરના રોજ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપ દ્વારા શેરોના મૂલ્યમાં હેરાફેરી કરવામાં આવી. આ મામલે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સેબી તપાસ, વિનિયમોનું તે સમર્થન કરે છે.
સેબીની તપાસ પર કોઈ શંકા નહિ : એસઆઈટીને તપાસ સોંપવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
અત્રે જણાવવાનું કે ગત વર્ષે 24 જાન્યુઆરીના રોજ અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર શેરોની કિંમતમાં છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે અદાણી ગ્રુપે આ આરોપો ફગાવ્યા હતા. પરંતુ આ રિપોર્ટના કારણે શેરોમાં ભારે અફરાતફરી જોવા મળી અને ભાવ તળિયે આવી ગયા હતા. કોર્ટે માર્કેટ રેગ્યુલેટર સેબીને આ મામલે તપાસ કરવાનું કહ્યું હતું. સેબીએ ઓગસ્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો અને 28 નવેમ્બરના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ગૌતમ અદાણીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા અદાણી ગ્રૂપ કંપનીઓના શેર રોકેટ ગતિએ ઉછળ્યા હતા. અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર સાધારણથી 12 ટકા વધીને બંધ થયા હતા. આ સાથે અદાણી ગ્રૂપ કંપનીઓનું સંયુક્ત માર્કેટકેપ ફરી 15 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઇ હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અદાણી કંપનીઓના શેરમા તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની વ્યાપક ધારણા છે.
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે તરફેણમાં ચુકાદો આપતા ગૌતમ અદાણીને મોટી રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસમાં સેબીની તપાસને યોગ્ય ઠરાવી હતી. આ સાથે અદાણી કેસની તપાસ સીબીઆઈ કે એસઆઈટીને સોંપવા ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ મામે સેબી સામે કરાયેલા આક્ષેપો અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે, કોઇ ત્રીજા પક્ષની રિપોર્ટેને નિર્ણાયક પુરાવો માની શકાય નહીં અને હિતોના ઘર્ષણની કોઇ ઘટના બનતી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, સેબીની તપાસ માટે કોઇ સ્વતંત્ર રિપોર્ટ કે ન્યૂઝ રિપોર્ટનો ઉપયોગ કરી શકાય નહીં. સાથે જ હિંડનબર્ગ રિપોર્ટનું સ્વતંત્રપણે સત્યાપન કરી શકાય નહીં. ઉપરાંત સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ 3 મહિનામાં પૂર્ણ કરવા સેબીને નિર્દેશ કર્યો છે. નોંધનિય છે કે, અદાણી ગ્રૂપ વિરુદ્ધના 24 કેસમાં સેબી તપાસ કરી રહી છે, જેમાંથી 22 કેસમાં તપાસ પૂર્ણ થઇ ગઇ છે.
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ કંપનીઓના શેર ઉછળ્યા હતા. અદાણી ગ્રૂપની શેરબજારમા લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેર આજે 12 ટકા સુધીના ઉછાળે બંધ થયા હતા. જેમાં અદાણી એનર્જી સોલ્યુશનનો શેર સૌથી 11.6 ટકા વધ્યો હતો. તેવી જ રીતે અદાણી ટોટલ ગેસ 10 ટકા અને અદાણી પાવર 5 ટકા વધીને બંધ થયા હતા.
અદાણી ગ્રૂપ કંપનીઓના શેર સતત વધી રહ્યા છે અને તેની સાથે રોકાણકારોને પણ કમાણી થઇ રહી છે. તમામ કંપનીઓના શેરમાં ઉછાળાથી અદાણી ગ્રૂપનું કુલ સંયુક્ત માર્કેટકેપ ફરી 15 લાખ કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયુ હતુ.
આજે શેરબજારમાં ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ અદાણી ગ્રૂપ કંપનીઓનું કુલ માર્કેટકેપ 15.11 લાખ કરોડ રૂપિયા થયુ હતુ, જ્યારે પાછલા વર્ષે કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 14.46 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં અદાણી ગ્રૂપ કંપનીઓના શેરધારકોને 65 લાખ રૂપિયાની કમાણી થઇ છે. જો કે હજી પણ તે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પહેલા બનેલી 19.2 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ માર્કેટકેપ કરતા લગભગ 25 ટકા જેટલી ઓછી છે.