અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી નેટવર્થ મામલે રિલાયન્સના મુકેશ અંબાણી કરતાં આગળ નીકળી ગયા છે. હિંડન બર્ગ અહેવાલ બાદ સર્જાયેલી સ્થિતિ હળવી બનતાં અદાણી ગ્રુપ ઉભરી રહ્યું છે અને ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર અદાણી ગ્રુપ ઓફ કંપનીના ચેરપર્સન ગૌતમ અદાણી વિશ્વના 12મા ધનિક વ્યક્તિ બની ગયા છે.
ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે રૂ.1.08 લાખ કરોડ વધીને રૂ.8.12 લાખ કરોડે પહોંચી: જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ વર્ષે રૂ.5 હજાર કરોડ રૂપિયા વધીને રૂ.8.07 લાખ કરોડ થઈ
રૂ. 18.31 લાખ કરોડની સંપત્તિ સાથે ઇલોન મસ્ક વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ, બીજા નંબરે રૂ.14.06 લાખ કરોડની નેટવર્થ સાથે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, ત્રીજા સ્થાને રૂ. 13.98 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એલવીએચએમના બર્નાર્ડ અરર્નોલ્ટ
ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે 13 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 1.08 લાખ કરોડ વધીને 97.6 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 8.12 લાખ કરોડ સુધી પહોંચી છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ વર્ષે 665 મિલિયન એટલે કે લગભગ 5 હજાર કરોડ રૂપિયા વધીને 97 બિલિયન ડોલર એટલે કે લગભગ 8.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે, જૂથના તમામ 10 શેર્સમાં વધારો જોવા મળ્યો, જેના કારણે અદાણીની નેટવર્થ વધી છે. ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે ગૌતમ અદાણી પર શેરની હેરાફેરી અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો હતો.
ઇલોન મસ્ક, વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક 18.31 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન છે. તેમના પછી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ રૂ. 14.06 લાખ કરોડની નેટવર્થ સાથે છે અને ત્રીજા સ્થાને એલવીએચએમના બર્નાર્ડ અરર્નોલ્ટ છે. તેમની કુલ સંપત્તિ 13.98 લાખ કરોડ રૂપિયા છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અમદાવાદનું અદાણી ગ્રુપ મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરે છે. તેઓ દેશના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટની માલિક છે અને ગ્લોબલ કોલ ટ્રેડિંગમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગૌતમ અદાણીના જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ છે.