અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજમેન્ટમાં મોટો ફેરફાર થયો છે. કરણ અદાણીને અદાણી પોર્ટમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કરણ અદાણીને કંપનીના એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. અગાઉ તેઓ અદાણી પોર્ટમાં કંપનીના સીઈઓ તરીકે કામ કરતા હતા.
કરણ અદાણીના સ્થાને નવા સીઈઓ તરીકે અશ્વિની ગુપ્તાને જવાબદારી સોંપાઈ : નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા રૂ. 5,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી
અત્યાર સુધી ગૌતમ અદાણી કંપનીના એમડી પદ પર હતા. હવે તેમને કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે. દરમિયાન, નિસાન મોટર્સના ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર, અશ્વિની ગુપ્તાને કરણ અદાણીના સ્થાને સીઇઓ બનાવવામાં આવ્યા છે. કંપની દ્વારા આ અંગે સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપવામાં આવી છે. આ સાથે, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા રૂ. 5,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના બોર્ડે 3 જાન્યુઆરી, 2024ના રોજ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં 5 હજાર કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે. કંપની ભારતમાં તેના સૌથી મોટા ક્ધટેનર હેન્ડલિંગ પોર્ટ, મુન્દ્રા સહિત ભારતમાં 13 પોર્ટ અને ટર્મિનલ્સનું સંચાલન કરે છે. અદાણી ગ્રૂપની કંપનીઓ મૂડીખર્ચ માટે ભંડોળ ઊભું કરવાનું શરૂ કરી રહી છે અને આગામી દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર રૂ. 7 ટ્રિલિયન ખર્ચ કરવાની યોજના ધરાવે છે.
કંપનીએ ગૌતમ અદાણીને 4 જાન્યુઆરી, 2024 થી 30 જૂન, 2027 સુધી એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવ્યા છે. કરણ અદાણીને 4 જાન્યુઆરી, 2024થી તેમના વર્તમાન કાર્યકાળના અંત સુધી એટલે કે 23 મે, 2027 સુધી એમડી બનાવવામાં આવ્યા છે.