બ્લુમબર્ગ બિલિયનેયર ઇન્ડેક્સ અનુસાર ચીની અબજોપતિ શાનશાનને પછાડી બીજો ક્રમાંક મેળવ્યો

છેલ્લાં કેટલાંય સમયથી અદાણી ગ્રુપના શેરની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. જેનો ફાયદો સમૂહના અધ્યક્ષ અને અબજોપતિ ગૌતમ અદાણીને મળી રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયનેયર ઇન્ડેક્સ અનુસાર, એશિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણીએ બીજા નંબર પર પોતાનું સ્થાન હાંસલ કરી લીધું છે. આ સ્પર્ધામાં તેઓએ ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પણ પાછળ છોડી દીધેલ છે. અદાણીની સંપત્તિમાં સતત થઇ રહેલા નફાથી તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીથી થોડા જ પાછળ છે.

રિપોર્ટ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર છે. આ વર્ષે તેઓની સંપત્તિમાં 32.7 અબજ ડોલરનો નફો થયો છે. જ્યારે ચીની અબજોપતિ ઝોંગ શાનશાનની સંપત્તિ 63.6 અબજ ડોલર છે. વર્ષ 2021ની શરૂઆતમાં, ચીની ટાઇફુન વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતાં. જ્યારે ચીનના તેઓ સૌથી અમીર વ્યક્તિ હતાં. તે પહેલાં તેઓ એશિયાના અમીરોની યાદીમાં પણ ટોપ પર હતાં. પરંતુ ગયા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ તેઓને રિપ્લેસ કર્યા હતાં. હવે અદાણી પણ આ રેસમાં ચીની અબજોપતિથી આગળ નીકળી ગયા છે.

ગૌતમ અદાણી હાલમાં ખૂબ જ નફો મેળવી રહ્યાં છે. તેમની અલગ-અલગ કંપનીઓ જેવી કે, અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઇઝેઝ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરોની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લાં એક વર્ષમાં અદાણી ટોટલ ગેસના શેરમાં 1145 ટકાનો ઉછાળો આવ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝેઝ અને અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં ક્રમશ: 827 % અને 617 % ની તેજી આવી છે. આ તમામને ધ્યાને રાખતા ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.