જીનીયસ સ્કૂલ દ્વારા શરૂ કરાયેલી ગૌશાળાને ખુલ્લી મુક્તા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગાયએ ભારતની પ્રાચિન સંસ્કૃતિનું પ્રતિક છે. ગાયનું જતન અને સંવર્ધનએ ભારતીય પરંપરા સાથે યુગોથી જોડાયેલું છે. આ પ્રચીન સંસ્કૃતીના જતન અને સંવર્ધન માટે કેન્દ્ર અને રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજકોટ સ્થિત જીનીયસ સ્કુલ ખાતે શાળામાં ગૌશાળાના નુતન અભિગમ અપનાવીને શરૂ કરાયેલ જીનીયસ ગૌશાળાનું આજરોજ રાજયના શિક્ષણમંત્રી ભૂપેનદ્રસિંહ ચુડાસમાએ લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયાએ વિસ્તૃત માહિતીસભર પ્રેઝન્ટેશનને આધારે ગાયો થકી થતાં આર્થીક અને સમાજિક તથા આરોગ્યલક્ષી ઉત્થાનને સમજાવી ગાયના જતન અને સંવર્ધનને સંસ્કૃતિ જતન સાથે જોડી વ્યાવસાયીક ધોરણે વિકાસાવવા પર ભાર મૂકયો હતો. આ પ્રસંગે શ્રીજી ગૌશાળાના રમેશભાઇ ઠક્કરે પશુધનને સાચી સંપત્તી ગણાવી ગાયોના જતન અને સંવર્ધન માટે વધુમાં વધુ પ્રયત્નો કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પુર્વધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડીકેટ સભ્ય મેહુલભાઇ રૂપાણી, જીલ્લા શિક્ષણાધિકારી વ્યાસ સહિત શિક્ષણક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગૌશાળા વિર્દ્યાર્થીઓ ગૌમાતાના સાનિધ્યમાં રહી શકશે: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
આ તકે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જીનીયસ ગ્રુપ દ્વારા શાળામાં ગૌશાળા પ્રસપિત કરીને સમાજમાં ગૌસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ તકે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગૌમાતાની સેવા વર્ષોથી આપણા સંતો કરતાં આવ્યા છે અને તેમની દેખરેખ રાખવી, પાલન પોષણ કરવું તે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પણ છે.
શાળામાં ગૌશાળાથી વિર્દ્યાથીઓ ગાય માતામાં સાંનિધ્યમાં રહી શકશે. તેમજ ગૌસેવાના મહત્વને પણ સમજી શકશે. આ તકે ફરી એકવાર હું જીનીયસ સ્કૂલ તેમજ જીનીયસ ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
આવનારા સમયમાં ગાયોના મહત્વ વિશેનું શિક્ષણ પણ આપીશુ: જય મહેતા
આ તકે જીનીયસ ગ્રુપના જય મહેતાએ જણાવ્યું હતું કે, અમે પહેલી વખત શાળામાં ગૌશાળાનો કન્સેપ્ટ લઈને આવ્યા છીએ ત્યારે આ તકે અમારી સાથે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા જેમનો અમને આનંદ છે અને શાળામાં ગૌશાળાનો મુખ્ય ઉદ્દેશ વિર્દ્યાથીઓને ગાયોનું મહત્વ સમજાવી તેમના જતન પ્રત્યે સજાગ કરવાનો છે. ગાયોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો સમાવેશ થાય છે. ત્યારે એક પોઝીટીવ વાતાવરણ મળે અને વિર્દ્યાથીઓમાં એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે. આવનારા સમયમાં ગાયોના મહત્વ વિશેનું શિક્ષણ પણ અમે વિર્દ્યાથીઓને આપીશું.