યુનોના 17 વિકાસલક્ષ્યની પ્રાપ્તિ માટે ગૌ સંસ્કૃતિ અનિવાર્ય: ડો.વલ્લભભાઇ કથીરીયા
રામ રાજ્ય એટલે કલ્યાણ રાજ્ય યાને કે સુરાજય. સાચુ સ્વરાજ ! જયાં રાજા – પ્રજા સહિત સમગ્ર જીવ સૃષ્ટિ સુખી હોય, જ્યાં જળ, જમીન, જંગલ, જાનવર અને જન સમુદાય સહિત બધાની સરખી હિફાજત થતી હોય, જ્યાં માનવીય સુખાકારી હોય. જયાં જન – જન વચ્ચે સારુ સાંમજસ્ય હોય, વગેરે વગેરે … આ પ્રકારની શ્રેષ્ઠ સમાજ વ્યવસ્થાને જો એક વાક્યના પ્રાસમાં કહેવી હોય તો “સુખી, સંપન્ન, સમૃધ્ધ, શિક્ષિત, સુરક્ષિત, સ્વસ્થ, સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વદેશી, સમરસ, સંસ્કારી સમાજ” આ સંદર્ભમાં ગૌમાતાને જ્યારે “માતર : સર્વ ભૂતાનામ ગાવ: સર્વ સુખપ્રદા” કહી છે, ત્યારે રામ રાજયની કલ્પનાને સાકાર કરવામાં ગૌમાતા વિશેષ મહત્વ છે.યુનાઇટેડ નેશન દ્વારા 17 સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોના માધ્યમથી સંપૂર્ણ વિશ્વને ધ્યાનમાં રાખી ઇ.સ. 2030 સુધીમાં કલ્યાણકારી વિશ્વની કલ્પનાને સાકાર કરવાનું લક્ષ્ય આપેલ છે. ભારતીય સમાજ વ્યવસ્થા કે જે વસુધૈવ કુટુંમ્બકમ, ભવતું સર્વ મંગલમ અને સર્વ જીવ હિતાવહની વિભાવનાને પોષક છે, તેમાં બધા જ ઉપરોક્ત લક્ષ્યો સમાવિષ્ટ છે. ભારત વર્ષ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિની ભૂમિ છે.
ગરીબીની સંપૂર્ણ રીતે નાબુદી : ગોપાલન અને ગાયના પંચગવ્ય ઉત્પાદો દ્વારા આર્થિક ઉપાર્જનથી ગરીબીને નાબૂદ કરી શકાય. અનેક વિધવા બહેનો અને આદિવાસી કુટુંબો ગાયો દ્વારા સમૃદ્ધ બન્યા.
ભૂખમરાની સમાપ્તિ: ગાયના દૂધ, દહીં, ઘી શ્રેષ્ઠ આહાર છે. ગૌ આધારિત કૃષિ ઉત્પાદનો શ્રેષ્ઠ પોષક તત્વો ધરાવે છે. ગૌ કૃષિ સાશ્વત કૃષિ છે. પૂરતું ઉત્પાદન ભૂખમરાની સમાપ્તિમાં સહાયરૂપ થશે.
ઉત્તમ સ્વાસ્થ : પંચગવ્ય ઉત્પાદો શ્રેષ્ઠ ઔષધી છે, આરોગ્યવર્ધક છે, પોષક છે. સ્વાર્થ પ્રદ છે. જંતુનાશક દવા રહિત ગૌ કૃષિ દ્વારા જ રોગમુક્ત સમાજની રચના શક્ય છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ : પંચગવ્ય મેધાવર્ધક, સ્વાધ્યપ્રદ અને શક્તિ વર્ધક છે. આથી શ્રેષ્ઠ, બુદ્ધિજીવી, નિરોગી સંતાનોના નિર્માણમાં સહાયક છે. ગોપાલનથી પરિવાર આર્થિક રીતે સક્ષમ અને સ્વસ્થ રહેવાથી બાળકોને સમાન રીતે ઉત્તમ શિક્ષણ આપી શકશે.
લૈંગિક સમાનતા : ગૌ માતા પ્રત્યે પૂજ્યભાવ અને મહિલાઓ દ્વારા વિશેષ ગોપાલન અને ગૌ ઉઘમિતાને કારણે મહિલા સશક્તિકરણને વેગ મળશે,
શુધ્ધ પાણી અને સ્વચ્છતા : ગાયનું પંચગવ્ય ગુણકારી તેમજ શ્રેષ્ઠ ઔષધી છે. જમીનની ઉર્વરા શક્તિ વધારે છે. આથી જળ સંચયને વેગ મળે છે. જળની શુધ્ધતા વધે છે. ગાયના પંચગવ્ય વાયુ, જળ, જમીન, જંગલ અને જીવસૃષ્ટિ બધાને શુધ્ધ અને સ્વચ્છ રાખે છે.
સસ્તી અને સ્વચ્છ ઉર્જા :
ગાયના ગોબર – ગૌમૂત્ર દ્વારા નિર્મિત બાયોગેસ, સી.એન.જી, ઇલેક્ટ્રીસીટી, બાયોફર્ટીલાઇઝર સહીતની ઘરેલુ, સરળ અને પોષણક્ષમ ઉર્જ પર્યાવરણ પૂરક છે. ધરતીના પેટાળમાં રહેલ પેટ્રોલ – ડીઝલ ખતમ થતાં ઉર્જાનો ઉકેલ ગૌમાતા જ છે.
શુભ કાર્યો દ્વારા સર્વ સમાવેશી આર્થિક વિકાસ અને ઉદ્યમિતા :
ગૌપાલન પવિત્ર અને પુણ્ય કાર્ય છે, તેમજ ઉત્તમ અને શ્રેષ્ઠ વ્યવસાય છે, પર્યાવરણ પૂરક છે. ગૌધન આર્થિક વિકાસની કરોડરજ્જુ છે.
ટકાઉ ઉદ્યોગો, સ્ટાર્ટ અપ અને બુનિયાદી ઢાંચાનો વિકાસ :
ગૌ આધારિત કૃષિ, અન્ન, ફળ, ફૂલ, શાકભાજી ઉત્પાદન, દૂધ અને દૂધની બનાવટો, ગૌમુત્ર દ્વારા મેડીસીન અને બાયોપેસ્ટીસાઈડઝ, ગોબર દ્વારા બાયોફર્ટીલાઇઝર અને તેને આનુસાંગિક મશીનરી, માર્કેટીંગ વગેરે ટકાઉ સર્વસમાવેશી, વિકેન્દ્રિત ઉદ્યમિતા દ્વારા સ્ટાર્ટ-અપ સહીત ઔદ્યોગિક વિકાસ આર્થિક સંપન્ન સમાજ રચનામાં સહાયભૂત બનશે.
વૈશ્વિક અસમાનતા દૂર થશે:
ગાવો વિશ્વસ્ય માતર : ગાવ: સર્વ સુખપ્રદા:, ગૌમાતા ધર્મ, જાતિ, સંપ્રદાય, રંગ કે ભૌગોલિક ભેદભાવ વગર તેના પંચગવ્ય દ્વારા બધાનું સરખું જ હિત કરે છે, કલ્યાણ કરે છે. આથી માનસિકતા બદલવાનું અને વિવિધ સમાજોને જોડવાનું કાર્ય કરે છે.
શહેરી અને સામુદાયિક વિકાસ:
ગૌપાલન, ગૌ આધારિત કૃષિ દ્વારા ગ્રામ્ય સમૂહનો આર્થિક વિકાસ સંભવ બનશે. અનુસાંગિક ગૌ આધારિત ઉદ્યોગો, મશીનરી, માર્કેટીંગ દ્વારા શહેરોની સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
જવાબદેહી ઉત્પાદન અને ઉપભોગ :
ગૌ ઉત્પાદનો અને ગૌ આધારિત ઉદ્યોગો પ્રમાણિક, પવિત્ર અને ઉમદા વ્યવસાયના પૂરક છે. ગાય આધ્યાત્મિકતા અને સુચિતાનું પ્રતિક છે. પંચગવ્ય સંવેદનશીલ, જવાબદાર અને સમાજસેવી વ્યક્તિઓના નિર્માણમાં સહાયભૂત થાય છે.
જળવાયુ પરિવર્તનની અસરો :
ગાય અને ગાયના પંચગવ્ય શ્રેષ્ઠ પર્યાવરણ રક્ષક છે. ગાયનું ઘી વાતાવરણ શુદ્ધિકરણ માટે શ્રેષ્ઠ છે. ગૌમુત્ર પણ બેક્ટરિયા અને વાઇરસ મુક્ત વાતાવરણના નિર્માણમાં સહાયભૂત થાય છે.
સામૂહીક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ :
ગૌ સંસ્કૃતિ આધારિત સક્ષમ, સમર્થ, વ્યક્તિ અને સમાજ તેને ઉપલબ્ધ સંસાધનો અને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશે. પર્યાવરણ રક્ષા કરશે. જીવસૃષ્ટિને પૂરક બનશે.
ભૂમિ પરની જીવસૃષ્ટિ :
પૃથ્વી માનવ પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ થી બનેલી છે, તેની સહજીવીતા અને સાહચર્ય એકબીજાને પૂરક છે. ગાય શ્રેષ્ઠ જીવાત્મા છે. ગૌ આધારિત કૃષિ, ગૌપાલન અને પંચગવ્યથી જમીન બંજર થતી અટકશે અને ઉર્વરાશક્તિ વધશે. જંગલો અને વૃક્ષોની રક્ષા થશે. જૈવિક વિવિધતા ટકી રહેશે. પર્યાવરણ રક્ષા થાય છે.
શાંતિ અને ન્યાયપ્રિય સમાજ :
ગૌમાતા કરુણાની મૂર્તિ છે. દયાવાન છે. કલ્યાણકારી છે. શાંતિ પ્રદાયિની છે. ગાયનું સાનિધ્ય જીવમાત્રને શાંતી આપે છે. સુખ આપે છે. સ્વસ્થ રાખે છે. સુરક્ષિત રાખે છે. ઝઘડાથી દૂર રાખે છે. આથી ન્યાયપૂર્ણ, શાંતિપ્રિય, સમરસ અને સંસ્કારી સમાજના નિર્માણમાં સહભાગી બનશે. ગૌમાતાનું જીવન જ પરોપકારી છે.
વૈશ્વિક સામૂહીક ભાગીદારી :
ગૌમાતા સર્વ હિતકારી છે, સર્વ કલ્યાણકારી છે, સર્વસુખપ્રદા છે. તે માનવ જીવનમાં શ્રદ્ધાપૂર્વક કેન્દ્રસ્થાને રહેશે તો વસુધૈવ કુટુંબકમની વિભાવનાને સાકાર કરવામાં મદદરૂપ થશે. આમ વૈશ્વિક ભાગીદારી દ્વારા સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ અને સબકા વિકાસ દ્વારા સર્વ સમાવેશક સમરસ – એકાત્મભાવ યુક્ત વૈશ્વિક કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા વિકાસના માર્ગને વિનાશકારી ન બનાવતા અને યથાયોગ્ય ઉપયોગ દ્વારા ગૌ આધારિત સમાજ વ્યવસ્થાને સ્વીકારી વિશ્વ કલ્યાણ સાધી શકાય તેમ છે. રામ રાજ્ય સ્થાપી શકાય તેમ છે. રામ રાજ્યની સ્થાપના અને નવી પેઢીના સુંદર વિશ્વ માટે ગૌવિજ્ઞાન જેટલું જલદી સમજીને સમાજમાં પ્રસ્થાપિત કરીએ એ સર્વના હિતમાં છે. માનવીય અને પ્રાકૃતિક આપદાઓ સમગ્ર સૃષ્ટિને સંપૂર્ણ પ્રલય તરફ લઈ જાય એ પહેલા જાગી જઈએ તો સારું !