શહેરના રૈયારોડ પર સદગુરુ તીર્થધામ કોમ્પલેક્ષમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના પંડાલમાંથી રોકડ ભરેલી દાનપેટીની ચોરી કરનાર પ્રદીપ દેસાણીને એલસીબીની ટીમે હનુમાન મઢી પાસેથી દબોચી લઈ રોકડ સહિત રૂ.62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર જુના માર્કેટિંગ યાર્ડ પાસે આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતાં વિપુલભાઈ પ્રફુલભાઈ પાડલીયા (ઉ.વ.33)એ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રૈયા રોડ પર સદગુરૂ તીર્થધામ કોમ્પ્લેક્ષમાં કુમાર હેર આર્ટ નામે દુકાન ધરાવી સી.સી.ટી.વી કેમેરા રીપેરીંગનું કામ કરે છે. હાલ ગણેશ ઉત્સવ ચાલતો હોય જેથી સદગુરુ તીર્થધામ કોમ્પેલેક્ષના બધા દુકાનદારોએ મળી રૈયા રોડ પર આવેલા સદગુરુ તીર્થધામ કોમ્પલેક્ષના પાર્કીંગમાં નાનો મંડપ બાંધી ભગવાન ગણેશની મુર્તિ પંડાલમાં રાખેલી હતી.

એલસીબીના સ્ટાફે હનુમાન મઢી પાસેથી આરોપીને પકડી રોકડ સહિત રૂ.62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

આયોજન કમીટીના સભ્યો ગણેશજીના ઉત્સવ બાબતે આયોજન કરતા અને આયોજનમાં ગણેશજીની મુર્તિ પાસે ખુલ્લા પંડાલમાં એક દાનપેટી રાખેલી હતી. સવારના સમયે કમીટીના સભ્ય ગણપતિજીના પંડાલમાં દાનપેટી રાખતા અને સાંજના સમયે દાનપેટી ત્યાં આવેલી ડિલકસ પાનની દુકાનમાં દાનપેટી મુકી દેતા હતાં. ગત તા.25ના કમીટીના સભ્ય ભાર્ગવભાઈએ સવારના દાનપેટી ગણપતિજીના પંડાલમાં મુકેલી અને બાદ તે જ દિવસે ગણપતિજીનું વિસર્જન હોય જેથી તે દિવસે દાનપેટી ડિલકસ પાનની દુકાનમાં મુકવાની રહી ગઈ હતી. ત્યાર બાદ બીજા દિવસે રાત્રીના ગણપતિજીના ઉત્સવ બાબતેનો હિસાબ કરવા માટે ભેગા થયેલા ત્યારે ગણપતિજીના પંડાલમાં દાનપેટી જોયેલ તો જોવામાં આવેલી ન હતી. જેથી કોઈ અજાણ્યો શખ્સ આશરે રૂ.28000 ભરેલ દાનપેટી. ચોરી કરી નાસી છૂટ્યાની ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી એલ.સી.બી.ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે આઇવે પ્રોજેકટ કેમેરા અને અન્ય સીસીટીવી ફૂટેજ ચેક કરતાં હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, રાહુલ ગોહેલ અને કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરી કરનાર તસ્કર પ્રદીપ ભરત દેસાણી (ઉ.વ.24),(રહે. સુભાસનગર શેરી નં.4) હનુમાન મઢી પાસે બોમ્બે હેર આર્ટ પાસે રોડ પરથી દબોચી લઈ તેની પાસેથી રોકડ અને એક્ટિવા મળી રૂ.62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.