યુનિવર્સિટી રોડ પરના હરીનગરમાં રહેતા શિક્ષિકાએ ગૂગલ માં બાલીના ટૂર પેકેજ માટે સર્ચ કરતા ફરીદાબાદના ગઠિયાએ તેનો સંપર્ક કરી તેને સસ્તા ભાવે ટુર પેકેજ આપવાનું કહી તેમની પાસે બેંક ટ્રાન્સફર થી પૈસા મંગાવી કુલ રૂપિયા 2.34 લાખની છેતરપિંડી કરતા શિક્ષિકાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષિકાએ ગૂગલમાં ટૂર પેકેજ માટે સર્ચ કરતા ફરીદાબાદના ગઠિયાએ મહિલાનો સંપર્ક કરી બનાવ્યા સાયબર ક્રાઇમનો શિકાર

વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પરના હરીનગરમાં રહેતા અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા છંદાબેન સોમનાથભાઈ પાલ (ઉ.વ.57) સાથે બાલી ટુર પેકેજના નામે ગઠિયાએ રૂા.2.34 લાખની છેતરપીંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.છંદાબેને જણાવ્યું છે કે,પતિ નિવૃત બેન્ક કર્મચારી છે.પુત્ર સૌરભ સોફટવેર એન્જિનિયર તરીકે અને પુત્રી અનુષ્કા કેનેડામાં નોકરી કરે છે.બાલી ટુરમાં જવુ હોવાથી ગઈ તા.2 માર્ચના રોજ ગુગલ પર સર્ચ કરતા હતા ત્યારે એક વેબસાઈટ જોવા મળી હતી.જેમાં ટુર પેકેજની માહિતી હતી. જેથી તેમાં માહિતી ભરતાં બીજા દિવસે એક યુવતીનો ફોન આવ્યો હતો,

જેણે પોતાનું નામ આરોહી જણાવી પેરેમાઉન્ટ ટ્રાવેલ્સ ફરીદાબાદથી બોલતી હોવાનું કહ્યું હતું.જેની સાથે સાત દિવસ અને આઠ રાત માટેના પેકેજની વાત કરતાં હોટલ બુકીંગ, ફલાઈટની ટિકીટ વગેરે મળી કુલ રૂા.3.48 લાખનું પેકેજ જણાવ્યું હતું.જેથી તેના યુપીઆઈ આઈડી પર રૂા.3.48 લાખ અને જે બેન્ક ખાતા નંબર આપ્યા હતા તેમાં 2 લાખ ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ ટિકીટની માહિતી માટે કોલ કરતાં આરોહી રિસીવ કરતી ન હતી.બીજા નંબર આપ્યા હતા તેની પર કોલ કરતાં નિત્યા નામની યુવતીએ જવાબ આપ્યો હતો.જેણે કહ્યું કે પોતે હાલ ગોવા બ્રાંચ ખાતે છે.

આરોહી બાબતે પૂછતાં રજા ઉપર હોવાનું કહ્યું હતું.બાદમાં આરોહીનો કોલ આવ્યો હતો.તેણે કહ્યું કે તમારી ટુર મે માસમાં છે.ત્યાં સુધીમાં બધી પ્રોસેસ થઈ જશે.આ પછી અવાર-નવાર આરોહી, નિત્યા વગેરે સાથે વાતચીત થતી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા. જે પીએનઆર નંબર આપ્યો હતો તેના આધારે થાઈ એરમાં તપાસ કરતાં તે નંબર ખોટો હોવાનો અને કોઈ બુકીંગ નહીં હોવાનું જણાવાયું હતું.બાદમાં સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.