મોર સહિતના વિવિધ પક્ષીઓ દરરોજ ૩ મણ જેટલુ ચણ આરોગે છે
ખંભાલિડા પાસે આવેલી વિશ્વ પ્રસિધ્ધ બૌધ્ધ ગુફાઓ પાસેના મેદાનમાં સવાર અને સાંજે પક્ષીઓના વાદળો ઉતરી પડે છે. કલાકોમાં જ પંખીડા ૩ મણથી વધુ ચણ ચણી જાય છે. જેના કારણે પક્ષીપ્રેમી ગ્રામજનો હાલમાં તો પોતાના ગજવામાંથી નાણાં ખર્ચી પંખીડાઓના પેટ ભરી રહ્યાં છે. પરંતુ પક્ષીઓના ભારે ધસારાને કારણે હાલમાં તો પક્ષી પ્રેમીઓ કવિ કલાપીની પંક્તિ રે…રે….પંખીડા સુખેથી ચણજો ઉચ્ચારી દાતાઓનો સાથ માંગી રહ્યાં છે. ખંભાલિડા બૌધ્ધ ગુફા નજીક આવેલા મેદાનમાં રોજના મોર, કબૂતર સહિતના હજારો પક્ષી સવાર પડતાથી સાથે જ વાદળું બનીને ઉતરી પડે છે. ખંભાલિડા ગામના વિક્રમસિંહ જાડેજા, મગનભાઈ પટેલ સહિતના પક્ષીપ્રેમીઓએ પક્ષીઓના પેટ ભરવાનો નિર્ણય કર્યો હતો. અને પ્રતિદિન સવાર-સાંજ બૌધ્ધ ગુફા નજીકના મેદાનમાં ચણ નાખવાનું શરૂ કર્યું હતું. દિવસે-દિવસે પક્ષીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો ગયો હતો. જેથી ગ્રામજનોએ બૌધ્ધગુફા નજીક જ પક્ષીઓ માટે ચણઘર બનાવી નાખ્યું છે. જેમાં પક્ષીપ્રેમીઓ ચણનો સંગ્રહ રાખી રહ્યાં હતા. પરંતુ પક્ષીઓની સંખ્યા વધતા ચણઘર ખાલી થવા માંડ્યું છે.
સવાર-સાંજ પક્ષીઓ કલાકોમાં જ ૩ મણથી વધુ ચણ ચણી જાય છે. આમ છતાં ગ્રામજનોએ પક્ષીપ્રેમને જીવંત રાખવા ઘરના નાણાં ખર્ચી રહ્યાં છે. સાથોસાથ દાતાઓનો સહયોગ મળી રહે તે માટે તત્પરતા દાખવી છે. આવા સંજોગોમાં પક્ષીપ્રેમી ગ્રામજનો કવિ કલાપીની પંક્તિ રે….રે….પંખીડા સુખેથી ચણજો, દાતાઓ દોડતા આવશે તેવી આશા રાખી છે.