એલ.સી.બી.એ દરોડા પાડી ટેન્કર, બોલેરો અને 28 બાટલા મળી રૂ.29.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો
મોરબી ગેરકાયદે ગેસ કટીંગ કૌભાંડ ઝડપી પાડયુ મોરબી એલસીબીએ બહાદુરગઢ ગામની સીમમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા ગેસ ભરેલ ટેન્કર, ખાલી સીલેન્ડર, બોલેરોગાડી, મોબાઇલ ફોન તથા ગેસ કાઢવાના સાધનોનો મુદામાલ કબ્જે કરી ત્રણ ઇસમોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા તથા કોન્સ્ટેબલ રણવીરસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક, અવધ વે બ્રીજ પાછળ, બામણકા સીમ જતા રસ્તે ખુલ્લી જગ્યામાં જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ આહિર બન્ને રાજકોટવાળા રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતા ગેસના ટેન્કરોમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરે છે.
જે હકીકતનાં આધારે પોલીસે રેઈડ કરી રામસીંગ વિજયસીંગ રાઠોડ, જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ આહિર તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ આહિર એમ ત્રણ ઇસમોને ગેસ ભરેલ ટેન્કર, 28 ગેસના સીલેન્ડર, બોલેરો ગાડી અને ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી પાઇપ સહિતનાં કુલ રૂ.29,85,424 – ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.