સીરામીક ઉદ્યોગપતિઓએ અખંડ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસની સપ્લાયમાં ધાંધિયા ચાલી રહ્યા છે ને શનિવારે રાત્રીથી પ્રેશર ડ્રોપની સમસ્યાથી ઉદ્યોગકારો પરેશાન છે જે સમસ્યા ૭૨ કલાક વીત્યા બાદ પણ યથાવત હોય જેથી મોડી રાત્રીના ઉદ્યોગકારોએ જીએસપીસીની ઓફિસે રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
મોરબીના પીપળી રોડ પરની સિરામિક ફેકટરીઓમાં શનિવારે રાત્રીના નેચરલ ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાથી એક જ રાત્રીમાં કરોડોની નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો અને પ્રેશર ડ્રોપની સમસ્યા ઉકેલવા ગુજરાત ગેસ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી જોકે ગુજરાત ગેસ કંપનીને સિરામિક ઉદ્યોગની નુકશાનીની પરવા ના હોય તેમ શનિવારે રાત્રીથી શરુ થયેલો સિલસિલો સોમવારે રાત્રી સુધી એટલે કે ૭૨ કલાક સુધી જોવા મળ્યો છે અને ગત રાત્રી સુધી સતત ગેસમાં પ્રેશર ડાઉન રહેતા પીપળી રોડ પરના અનેક યુનિટોમાં કરોડોની નુકશાની થવા પામી છે.
જેથી ગત રાત્રીના સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસની ઓફીસે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી જોકે ગેસ કંપનીના જવાબદાર અધિકારી દ્વારા પ્રશ્ન ઉકેલતા સમય લાગી સકે છે તેવો જવાબ મળતા રોષે ભરાયા હતા અને ગેસ કંપનીની ઓફિસે રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો મોરબીના ઉધોગપતિ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે શનિવારથી પ્રેશર ડ્રોપની સમસ્યા છે જે ઉકેલવા માટે રજૂઆત કરી હતી જોકે હજુ સમસ્યા યથાવત છે અને સિરામિક એકમોને દરરોજ કરોડોની નુકશાની સહન કરવી પડે છે જે સમસ્યાનો ઉકેલ નહિ આવે તો ફેકટરીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામશે.