કોર્પોરેશનનાં કોમ્યુનિટી હોલ પ્રોજેકટ માટે ખીલાસરી લઈને આવેલા ટ્રકનું ટાયર વાલ્વ ચેમ્બરમાં ઘુસી જતા ગેસની લાઈન લીકેજ થઈ, સદનશીબે મોટી દુર્ઘટના ટળી: રોડ બ્લોક કરાયો
શહેરનાં વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક આવેલી કોર્પોરેશનની વોર્ડ ઓફિસ સામે અક્ષર સ્કુલ પાસે આજે સવારે જીએસપીસી ગેસની લાઈનનાં વાલ્વ ચેમ્બરમાં મહાકાય ટ્રક ખુંચી જવાના કારણે અચાનક વાલ્વ તુટતા આસપાસનાં વિસ્તારોમાં ૪૦૦ ઘરોનાં ચુલા ત્રણ કલાક સુધી બંધ રહ્યા હતા. ગેસ લીકેજની જાણ તાત્કાલિક થઈ જતા મોટી દુર્ઘટના સહેજ અટકી હતી. તાબડતોબ રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીનાં ભાગરૂપે રોડ પર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક કોર્પોરેશનની વોર્ડ નં.૯ની વોર્ડ ઓફિસ સામે હાલ કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલી રહ્યું છે આજે સવારે ૨૦ ટન ખીલાસરી ભરેલો ટ્રક અહીં બાંધકામ સાઈટ પર માલ ઠાલવવા માટે આવ્યો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં વરસી રહેલા ઝાપટાનાં કારણે જમીન પોચી પડી ગઈ હોય આ મહાકાય ટ્રકનું ટાયર અક્ષર સ્કુલ નજીક જીએસપીસી કંપનીનાં વાલ્વ ચેમ્બમાં ખુંચી ગયું હતું જેના કારણે વાલ્વ તુટી ગયો હતો અને ગેસ લીકેજ થવા માંડયો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક વોર્ડ ઓફિસ પર હાજર કોર્પોરેશનનાં અધિકારીઓને થતા તેઓએ તાબડતોબ જીએસપીસીને ગેસ લીકેજની જાણ કરી હતી. ગણતરીની જ મિનિટોમાં કંપની દ્વારા ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને તાબડતોબ રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગેસ લીકેજનાં કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને અંદાજે એક કલાક સુધી વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો.
જીએસપીસીનાં રાજકોટ હેડ રાજીવ પટેલનાં જણાવ્યા અનુસાર આજે સવારે ગોપાલ ચોક પાસે વાલ્વ તુટવાનાં કારણે ગેસ લીકેજની સમસ્યા સર્જાય હતી જેની અસર આશરે ૪૦૦ કનેકશનો ઉપર પડી હતી.
અંદાજે ૩ કલાક સુધી રીપેરીંગ કામ ચાલ્યું હતું જેના કારણે ૪૦૦ જેટલા કનેકશન ધારકોને ૩ કલાક સુધી ગેસ પુરવઠો પુરો પાડી શકાયો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બપોરની રસોઈ બનાવવાનાં સમયે જ અચાનક ગેસ પુરવઠો બંધ થઈ જતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. ત્રણ કલાક સુધી ગેસ પુરવઠો શરૂ ન થવાનાં કારણે અનેક ઘરોમાં આજે બપોરની રસોઈ મોડી બની હતી જોકે સમયસર લીકેજની જાણ થઈ જતા મોટી દુર્ઘટના અટકી જવા પામી હતી.