કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૩૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે: શાસકો રાજકોટવાસીઓને આપશે દિવાળીની ભેટ
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળશે જેમાં અલગ અલગ ૩૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. કોરોના કાળમાં હાલ શહેરીજનો દિવાળીના ઉત્સવના રંગે રંગાઈ ચૂક્યા છે. ત્યારે ભાજપના શાસકો ચૂંટણી પૂર્વે રાજકોટવાસીઓને રીઝવવા માટે દિવાળીની ભેટ આપશે. રૈયા મુક્તિધામમાં ઈલેકટ્રીક અને ગેસ ભઠ્ઠી બનાવવા માટે ક્ધસલટન્ટની નિમણૂંક કરવામાં આવશે જ્યારે મહાપાલિકામાં ભળેલા ૪ ગામોમાં એલઈડી લાઈટના અજવાળા પથરાશે.
કાલે સવારે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમીટીની એક બેઠક મળશે જેમાં અલગ અલગ ૩૯ દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. મહાપાલિકામાં ભળેલા મુંજકા, મોટામવા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુરા-૧ના અલગ અલગ વિસ્તારોમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તથા નવી એલઈડી લાઈટ ફીટીંગ કરી તેનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામ મેસર્સ રાદડીયા પરેશ કે. પાસે ૧૬.૩૬ ટકા વધુ ભાવે કરાવવા દરખાસ્ત રજૂ કરાઈ છે. વોર્ડ નં.૧ના રહેવાસીઓને મહાપાલિકા દ્વારા નવા ગાર્ડનની પણ ભેટ આપવામાં આવશે. રામેશ્ર્વર પાર્કની બાજુમાં રૈયા ટીપી સ્કીમ નં.૨૨ના ફાઈનલ પ્લોટન નં.૫૨-એમાં બગીચો બનાવવામાં આવશે. વોર્ડ નં.૯માં રૈયા મુક્તિધામ ખાતે નવા ઈલેકટ્રીક તથા ગેસ આધારીત કીમોટોરીયમ (ભઠ્ઠી) બનાવવા માટે ક્ધસલટન્ટની નિમણૂંક કરવામાં આવશે. અમદાવાદના આનંદજીવાલા ટેકનીકલ ક્ધસલટન્ટની નામની એજન્સીનો નિમણૂંક કરાશે જેને પ્રોજેકટ ખર્ચના ૦.૯૦ ટકા ચૂકવણી કરવામાં આવશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમીટીમાં શેઠ હાઈસ્કૂલમાં મેદાનમાં વ્યાયામ શાળાનું રિનોવેશન કરવા, રૈયાધાર મેઈન રોડ પર શાંતિનગરથી રૈયાધાર એસટીપી સુધી ફલાવર બેડ ટાઈપ રોડ ડિવાઈડર સ્ટોન ફીટ કરવા, વોર્ડ નં.૧,૯,૧૧ અને ૧૨માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા, શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ભગીચાની પાંચ વર્ષ માટે જાળવણીનો કોન્ટ્રાકટ આપવા, કોર્પોરેશનના કર્મચારીઓને ગરમ કપડા આપવા માટે કાપડની ખરીદી કરવા, એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ અંગે નિર્ણય લેવા સહિતની ૩૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.