આગ લાગતા માતા બંને પુત્રીઓને લઈ બાથરૂમમાં પુરાઈ ગઈ’તી 

રાજકોટમાં બેડીનાકા પાસે કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે ગેસ સિલિન્ડર ફાટતા આગ ભભૂકી હતી. એપાર્ટમેન્ટમાં હાજર મહિલા તેની બંને પુત્રીઓ સાથે બાથરૂમમાં પુરાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરનો સ્ટાફ દોડી ગયો હતો અને રેસ્ક્યુ કરીને માતા અને બંને પુત્રીના જીવ બચાવ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બેડીનાકા પાસે આવેલા કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે એકાએક આગ લાગતા ફાયર ફાઈટરનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ઘટના વિશે ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને ઈમરજન્સી કોલ મળ્યો હતો કે, કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ટુ બીએચકે ફ્લેટમાં આગ લાગી છે. આ બનાવમાં ફ્લેટની અંદર એક મહિલા સહિત તેના બે બાળકો અંદર પૂરાઈ ગયા છે. ઇમરજન્સી કોલ મળતાં હું અને મારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઇ હતી. ત્યાં મીની ફાયર ફાઈટર જ જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ હતી. કોમલ એપાર્ટમેન્ટ પર પહોંચતાં ચોથા માળે ફ્લેટમાંથી આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા હતા.

ચીફ ઓફિસરે આગળ જણાવ્યું હતું કે,’ હું અને મારી ટીમ આગ બુઝાવતા ફ્લેટની અંદર દાખલ થયા તો જોયું કે એક રૂમમાં ત્રણ જેટલા વ્યક્તિઓ અંદર પૂરાયા છે. ઘરની અંદર રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ચૂકી હતી. જે દરવાજો મહિલાએ બંધ કરી રાખ્યો હતો તે દરવાજો ખોલીને મહિલા તેમજ તેના બંને બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. મહિલાએ સાવચેતી માટે અંદરના રૂમમાં એટેચ બાથરૂમની અંદર પોતાના બન્ને સંતાનોને લઈ ગઈ હતી. મહિલાના આઠ મહિનાના બાળક સહિત ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.