ચોમાસાની સિઝનમાં જુનાણાના ગરવા ગીરનારે જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેવો નજારો જોઈ આંખોને ટાઢક વળી રહી છે.કહેવાય છે કે, વાદળો સાથે વાતો કરતા ગરવા ગીરનારના દર્શને હજારો યાત્રીકો આવે છે.
ચોમાસાના વરસાદ બાદ ગોરખનાથ અને ગુરૂ દત્તાત્રેય શીખર પર જાણે લીલી ચાદર પથરાયેલ હોય તેવા દ્રશ્યો નિહાળવા એ જીવનનો લહાવો છે. વરસાદના કારણે લીલીછમ વનરાય સાથેના વૃક્ષો તન અને મનને ટાઢક આપે છે. અહીંયા આવતા યાત્રાળુઓ આ નજારો પોતાના મોબાઇલમાં કેદ કરી કાયમી યાદી પોતાની સાથે લઇ જાય છે.
જાણે કુદરત પીંછી લઈ બેસયો હોય અને તેને પ્રિય એવા હરિયાળા લીલા રંગને જાણે ગિરનાર ઉપર જ અલંકૃત કરવાનું નક્કી કરી લઈ ગિરનારને પ્રકૃતિ સભર, નયન રમ્ય બનાવી દિધો હોય તેમ ગિરનાર હાલમાં લીલા રંગે રંગાઈ ભારે શોભી રહ્યો છે, ત્યારે કહેવાનું મન થાય કે, ‘હરિયાલા ગિરનાર નહિ દેખા તો કુછ નહિ દેખા ગુજરાત મે, એક બાર તો આયો જૂનાગઢ મે’