રાજસ્થાનથી બે દિવસ પહેલાં જ મજુરી કામે આવેલા દંપતી વચ્ચે ઝઘડો થતા હત્યા કરી: પત્નીનું ખૂન કરી ભાગી છુટેલા પતિને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

ગઢડા તાલુકાના ગાળા ગામે બે દિવસ પહેલાં જ રાજસ્થાનથી મજુરી કામે આવેલા દંપત્તી વચ્ચે ગત મોડીરાતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ ત્રિકમના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી ભાગી ગયાનું પોલીસમાં જાહેર થતા ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી લીધો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડાના ગાળા ગામે મજુરી કામે આવેલી ભાવનાબેન ડામોરના પેટમાં ત્રિકમના ઘા ઝીંકી ભીમા બળદેવ ડામોરે હત્યા કર્યાની ગાળા ગામના લાલાભાઇ લખુભાઇ મારુ નામના ભરવાડ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગાળા ગ્રામ પંચાયત દ્વારા બ્લોક નાખવાનું કામ ચાલતુ હોવાથી બે દિવસ પહેલાં ભીમા બળદેવ ડામોર અને તેની પત્ની ભાવનાબેન ડામોર અન્ય મજુરો સાથે બે દિવસ પહેલાં જ ગાળા ગામે મજુરી કામે આવ્યા હતા. રાજસ્થાની મજુરોને ગાળા ગામના દોલાભાઇ દેહુરભાઇ મારુના બંધ મકાનમાં રહેવાની સગવડ આવવામાં આવ્યો હતો.

દરમિયાન ગઇકાલે લાલાભાઇ મારુ કનુભાઇ મારુ માતાજીના માંડવામાં ગયા હોવાથી રાત્રે બારેક વાગે ગાળા ગામે આવ્યા ત્યારે લાલાભાઇના કાકાના બંધ મકાનમાં રહેતા રાજસ્થાની મજુરોમાં ગોકીરો થતો હોવાથી ત્યાં જોવા ગયા ત્યારે ભીમા ડામોરના હાથમાં ત્રિકમ હતો અને તેની પત્ની ભાવનાબેન ડામોર લોહીથી ખરડાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. લાલાભાઇ અને કનુભાઇ મારુ ઘટના સ્થળે પહોચતા ભીમા ડામોર ત્યાં ત્રિકમ ફેંકી ભાગી ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલી ભાવનાબેન ડામોરને ગઢડા સારવાર માટે લઇ જવામાં આવતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. ગઢડા પી.આઇ. એમ.જી.જાડેજા સહિતના સ્ટાફે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ  ભાવનગર હોસ્પિટલમાં મૃતદેહ ખસેડયો હતો. પત્નીની હત્યા કરી ભાગી છુટેલા ભીમા ડામોરને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી હત્યા શા માટે કરી તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.