જૂનાગઢમાં આવેલ ગિરનાર રોપ-વે પ્રવાસી જનતા માટે આજે સવારથી ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે જ ઉષા બ્રેકો કંપનીએ પ્રથમ ટ્રીપમાં જ બોણી કરી લીધી હતી, તથા હાલમાં પણ પ્રવાસીઓની આવક ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જુનાગઢના ગરવા ગિરનાર ઉપર જગત જનની માં અંબાજી માતાજીના દર્શનના લાભ માટે દર્શનાર્થીઓ માટે રોપ-વે યોજના ફરીથી શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ તેમજ સબંધિત મહાનુભાવોની અસરકારક રજૂઆત અને લાગણીને માન આપી, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના મહત્વના પ્રોજેક્ટ ’ગિરનાર રોપ-વે યોજના’ની શરૂઆત થઈ હતી.
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ શરૂ થતાની સાથે લાખોની સંખ્યામાં પ્રવાસી જનતાએ રોપ-વે દ્વારા ગિરનાર ખાતે અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો અને ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ દ્વારા ટૂંકા ગાળામાં ગુજરાતના સૌથી મોસ્ટ ફેવરિટ પ્રવાસન ધામમાં નામ મળ્યું હતું. કોરોના સંક્રમણકાળ દરમિયાન ધાર્મિક સ્થળોને જ્યારથી બંધ રાખવામાં આવ્યા હતા ત્યારથી ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને પણ તકેદારીના ભાગરૂપે ઉષા બ્રેકો કંપની દ્વારા છેલ્લા બે માસથી બંધ રાખવામાં આવેલ છે, ત્યાંરે કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે અને સરકાર પણ વધુને વધુ છૂટછાટ આપી રહી છે. એવાંમાં સરકારે આજથી તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની છુટ આપવામાં આપી છેે. ત્યારે જૂનાગઢ ખાતે ગરવા ગિરનાર પર બિરાજતા અંબાજી માતાજી મંદિર પણ ખૂલી ગયું છે. અને ગિરનાર રોપ-વે યોજના પણ પ્રવાસી જનતા માટે પુન: શરૂ થઈ છે.ઉષા બ્રેકો કુ. ના હેડ દિપક કપલીસે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી ગિરનાર રોપ-વેની સફર સરકારની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે પ્રવાસી જનતા માટે શરૂ કરવામાં આવી છે. રોપ-વેના ઇન્ચાર્જ જી. એમ. પટેલ દ્વારા પ્રવાસીઓને કોઈ જાતની અગવડતા ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પ્રવાસી જનતાને રોપ-વેની મોજ મળવાનું ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવેલ છે.