જર, જોરૂ અને જમીન ત્રણેય કઝીયાના છોરૂ

મામાના ઘરે જતાં પરિવાર પર કૌટુંબિક કાકા સહિતના ચાર શખ્સોનો ઘાતક હથિયારોથી ખૂની હુમલો

મોરબી જિલ્લામાં ‘જર, જોરૂ અને જમીન ત્રણેય કઝીયાના છોરૂ’ આ કહેવતને સાર્થક કરતા કિસ્સાઓ ભુતકાળમાં અનેક વાર બની ચુકયા છે. ત્યારે માળીયા મીયાણામાં આ પ્રકારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે છેલ્લા એક વર્ષથી ચાલતા જામીનના ડખ્ખામાં ગઇકાલે બે  મુસ્લિમ પરિવારો વચ્ચે ઘાતક હથીયારો વડેખુની ખેલ ખેલતા એક યુવાનની લોથ ઢળી હતી. ત્યારે અન્ય બે ને ગંભીર ઇજા થતાં સાયલામાં ખસેડવામાં આવ્યા છે. સામ સામે થયેલા શસસ્ત્ર ધીંગાણામાં સામા પક્ષે ઘવાયેલા વધુ બે શખ્સોને રાજકોટ સીવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગેની માળીયા પોલીસમાં ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત મુજબ મોરબીના માળીયા મીયાણા ગામે કોળા વાંઢ વિસ્તારમાં રહેતો કાસમ હબીબ જામ (ઉ.વ.૩ર) નાનના યુવાને માળીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે ગઇકાલે કાસમ તેનો ભાઇ અનવર હબીબ જામ તથા તેના ખેતરમાં મંજુરી કામ  કરતો ગુલામ રસુલભાઇ માલાણી તથા કાસમભાઇની પત્ની રસીદાબેન, તેના બાળકો અને અનવર ની પત્ની મુમતાઝ તથા તેના બાળકો બોલેરો કારમાં મામા જાનમહમદ હસનભાઇ જેઠા જેઓ માળીયા ગામે જુના રેલવે સ્ટેશને વાડા વિસ્તારમાં રહે છે તેના ઘરે જતા હતા ત્યારે માળીયામાં આવેલ મામલતદાર કચેરી પાસે રોડ પર તેના કૌટુંબિક કાકા કરીમ ઇસા જામ, દાઉદ ઇસા જામ, ગફર ઇસા જામ, દિકો મયુદ્દીન સંધવાણી સહીતના ચારેય શખ્સોએ સફેલ કલરની સ્વીફટ કારમાં આવી બોલેરો કારને આંતરી ચારેય શખ્સો સ્વીફટ કારમાંથી નીચે ઉતરી એક વર્ષ પહેલા જમીનના ડખ્ખામાં થયેલ માથાકુટનો ખાર રાખી ચારેય શખ્સોએ ચારેય બાજુથી ધેરી લઇ આડેધડ તલવાર, ધોકા, ધારીયા અને પાઇપ વડે ધા મારી ખુની હુમલો કરી બોલેરો કારમાં બેઠેલા તમામને શરીરે ગંભીર ઇજા કરી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનવર, તથા ગુલામ અને કાસમભાઇને સારવારમાં માળીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ અનવરને જોઇ તપાસી મૃતર્ક જાહેર કર્યા હતા જયારે ગુલાબને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી સારવારમાં મોરબી ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગેની જાણ માળીયા પોલીસમાં કરવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઇ કાસમભાઇની ફરીયાદ લઇ કાસમ જામ સહીત ચાર શખ્સો વિરુઘ્ધ હત્યા અને હત્યાની કોશીષનો ગુનો નોંઘ્યો છે. જયારે સામા પક્ષી માળીયામા: રહેતા દાઉદ ઇશાભાઇ જામ (ઉ.વ.૩૯) તથા તેનો ભાઇ કરીમ ઇશાભાઇ જામ (ઉ.વ.૪૦) નામના બન્ને યુવાનોને મામલતદાર કચેરી પાસે સામા વાળા હબીબ  નુરમહદમ તથા કાસમ હબીબ તથા પાંચ શખ્સોએ ઝઘડો કરી તલવાર અને ધારીયા વડે માર મારતા શરીરે ગંભીર ઇજા થતા સારવારમાં રાજકોટ સીવીલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.