જમીનના વેચાણની બેઠકમાં થયેલી બોલાચાલીમાં ખેડુતને ગામના જ શખ્સે છરી વડે ઢીમઢાળી દીધું
પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે ૬ જમીનના વિવાદમાં ગરાસીયા આધેડની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવાના બનાવમાં ગામનાજ ગરાસીયા શખ્સ સહિત ત્રણ શખ્સોની શોધખોળ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ગામની સીમમાં લોહીલોહાણ હાલતમાં આધેડ પડયા હોવાની પડધરી પોલીસ મથકના સ્ટાફને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ હત્યા થયાનું ખૂલતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડયો હતો.
મૃતક ખાખડાબેલા ગામના અજીતસિંહ હરિસિંહ જાડેજા નામના આધેડ હોવાનું ખૂલ્યું હતુ. પોલીસે મૃતકના પુત્ર ચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી મુળ ખાખડાબેલા ગામના અને હાલ રાજકોટના ગાયત્રીધામ પાસે રહેતા જગદીશસિહ શાંતુભા જાડેજા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જયદીપસિંહ પ્રવિણસિંહ જાડેજાના જમીન વેચાણ અંગે બેઠક હતી જે બેઠકમાં અજીતસિંહ જાડેજા અને જગદીશસિંહ જાડેજા વચ્ચે કોઈ મુદે બોલાચાલી થતા જગદીશસિંહ ઉશ્કેરાતા અજીતસિંહ પર છરી વડે જગદીશસિંહ અને તેના મળતીયા છરીના ઘા ઝીંકી હત્યા કરી નાશી છૂટયા હતા.
આરોપી અગાઉથી પ્લાનીંગમાં હોય તેમ હથીયારો સાથે આવ્યા અને અજીતસિંહની હત્યા કરવાનું નકકી હોય તેમ પ્રાથમિક તપાસમાં ખૂલી રહ્યું છે. પોલીસે જગદીશસિંહ જાડેજા સહિતના હત્યારાને ઝડપીલેવા ચક્રોગતિમાન કર્યા છે. વધુતપાસ પીએસઆઈ કોડીયાતર સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.