પાંચ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરી પત્નીના આડા સંબંધના કારણે છુટાછેડા આપી દીધા’તા: બે વર્ષની બાળકી નોંધારી બની
બજરંગવાડીમાં ગરબી જોવા નીકળેલી પરિણીતા રસ્તામાં આંતરી છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું
દશેરાના શપરમાં તહેવારની મોડીરાતે પૂર્વ પત્નીના આડા સંબંધોના કારણે કંટાળી બે વર્ષ પહેલાં છુટાછેડા લઇ લીધા હોવા છતાં પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. હત્યા કરી પોતે જ પોલીસને હત્યા અંગે જાણ કરી હાજર થઇ જતા પોલીસે તેની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં રહેતી નેહાબા નામની 26 વર્ષની પરિણીતાની મનહરપુરમાં રહેતો પૂર્વ પતિ શૈલેષ ઉર્ફે રાહુલ ભૂપત પંચાસરાએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતકના પિતા પ્રવિણસિંહ ભૂપતસિંહ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નેહાબા પરમારે પાંચ વર્ષ પહેલાં મનહરપુરના શૈલેષ ઉર્ફે રાહુલ પંચાસરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન પતિ શૈલેષ ઉર્ફે રાહુલ પંચારસરા પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે ત્રાસ દેતો હોવાથી મહિલા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ હતી. પ્રેમ લગ્ન કર્યા હોવાથી નેહાબા પરમાર પોતાના પિયર જઇ શકે તેમ ન હોવાથી તેણીને પોલીસ દ્વારા સંસ્થામાં મોકલ્યા બાદ પોલીસની સમજાવટથી પ્રવિણસિંહ પરમાર પોતાની પુત્રીને ઘરે લાવ્યા બાદ બે વર્ષ પહેલાં પુત્રીનો જન્મ થયો હતો અને નેહાબાએ પોતાના પતિ શૈલેષ ઉર્ફે રાહુલને પંચાસરાને છુટાછેડા આપી દીધા હતા.
મહરપુરમાં રહેતા અને ભરવાડનો બોલેરો ચલાવતા શૈલેષ ઉર્ફે રાહુલ પંચાસરાને છુટાછેડા આપી દીધા હોવા છતાં પોતાની પૂર્વ પત્ની નેહાબાને આડા સંબંધ બાબતે ત્રાસ દેતો હતો. ગઇકાલે નેહાબા પરમાર પોતાના બજરંગવાડીમાં રહેતા સંબંધીને ત્યાં ગરબી જોવા જવાના હોવાથી ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાં જ નેહાબા પરમારને પૂર્વ પતિ શૈલેષ ઉર્ફે રાહુલ પંચાસરાએ આંતરી અટલ સરોવર નજીક લઇ જઇ ગળાટૂંપો દીધા બાદ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનો શૈલેષ ઉર્ફે રાહુલ પંચાસરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોતાની પત્નીની હત્યા કરી છે. કયા પોલીસ મથકમાં હાજર થવું તે અંગે પૂછપરછ કરતા પોલીસ કંટ્રોલ દ્વારા ઘટના સ્થળ અંગે તપાસ કરી યુનિર્વસિટી પોલીસને જાણ કરતા હત્યાના ગુનામાં શૈલેષ ઉર્ફે રાહુલ પંચાસરાની પી.આઇ. એ.એસ.ચાવડા અને પી.એસ.આઇ. એ.બી.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.