અબતક,રાજકોટ
શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાને પોતાના પિતાની બંદુકમાંથી ભડાકો કરી આપઘાત કરી લેતા ગરાસીયા પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે. સીઆઇએસએફમાં ભરતી થવાની તૈયારી કરતા યુવાને આપઘાત શા માટે કર્યો તે અંગે ભક્તિનગર પોલીસે તપાસ હાથધરી છે.
CISFની ભરતી માટેની તૈયારી કરતા યુવાને નિવૃત્ત SRPમેન પિતાની બંદુકથી કર્યો આપઘાત
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા તાલુકાના કોલકી ગામના વતની અને ગાયત્રીનગર શેરી નંબર 5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા નામના 21 વર્ષના ગરાસીયા યુવાને ગત મોડીરાતે પોતાના ઘરે બંદુકથી ફાયરિંગ કરી આપઘાત કર્યો છે. યુવરાજસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ મોત નીપજતા ભક્તિનગરના એએસઆઇ ફિરાજભાઇ શેખ અને મહિરસિંહ બારડ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો છે.
યુવરાજસિંહ ચુડાસમા સીઆઇએસએફમાં ભરતી થવા માટે તૈયારી કરતા હતા. ગતરાતે પરિવારજનો સુતા ત્યારે પોતે ટીવી જોયા બાદ સુઇ જશે તેમ કહ્યું હતું. રાતે એકાદ વાગે ઘરમાં એકાએક બંદુકમાંથી થયેલા ફાયરિંગના અવાજઓથી પરિવારજનો જાગી ગયા હતા ત્યારે યુવરાજસિંહ લોહીલુહાણ થઇ ઢળી પડેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા પરિવારજનો આઘાતમાં સરકી ગયા હતા.
ઘનશ્યામસિંહ ચુડાસમાએ પુત્રને સારવાર મળી રહે તે માટે 108ને જાણ કરી હતી પરંતુ યુવરાજસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાથી ભક્તિનગર પોલીસને આપઘાતના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. એક બહેન અને એક ભાઇમાં નાના યુવરાજસિંહ ચુડાસમાના આપઘાતથી પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.ઘનશ્યામસિંહ ચુડાસમા એસઆરપીમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત થતા તેઓએ બંદુકનો પરવાનો મેળવી એસબીઆઇ બેન્કમાં ગનબેન તરીકે ફરજ બજાવતા હોવાથી પિતાની બંદુકથી જ પુત્રએ આપઘાત કર્યો છે. તેઓએ શા માટે આપઘાત કર્યો તે અંગેની ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.