હત્યા કેસમાં પકડાયેલા વિવાદાસ્પદ આરોપી 9 માસ પહેલા 15 દિવસના પેરોલ પર છૂટ્ટી ભૂર્ગભમાં ઉતરી ગયો : નવો પાસપોર્ટ કઢાવ્યો કે ડુપ્લીકેટ પાસપોર્ટ પોલીસ તપાસ માંગી લેતો મુદ્દો
રાજકોટની ભાગોળે આવેલ ઠેબચડા ગામે જમીનના વિવાદમાં પોલીસ પાર્ટીની હાજરીમાં લખધીરસિંહ જાડેજાની હત્યા કરવાના ગુનામાં મુખ્ય કાવતરા ખોર તરીકે પકડાયેલા કાનૂની સલાહકાર પેરોલ પર છૂટ્યા બાદ વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
રાજકોટના ઠેબચડા ગામે વિવાદાસ્પદ જમીન અંગે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોલીસ પાર્ટીને સાથે રાખી જમીનનો કબ્જો લેવા ગયેલા લખધીરસિંહ જાડેજા પર પૂર્વયોજીત કાવત્રુ રચી જમીનનો કબ્જો સંભાળતા કોળી પરિવારે ઘાતક હથિયાર વડે હુમલો કરી પોલીસ પાર્ટીની નજર સામે ગરાશીયા પ્રૌઢની હત્યા કરી હતી.
પોલીસની તપાસમાં આ પ્રકરણમાં પડદા પાછળના કસબી તરીકે મુખ્ય કાવત્રાખોરમાં રાજકોટમાં રહેતા અને પોતાની જાતને કાનૂની સલાહકાર દેખાડતા વિવાદાસ્પદ અક્ષીત કદમકાંત છાંયાની સંડોવણી ખૂલતા પોલીસે કાવત્રાની કલમ હેઠળ તેની પણ ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
વિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવતા અક્ષીત છાયાની જામની અરજી રદ થયા બાદ 9 માસ પહેલા 1પ દિવસના વચગાળાના જામીન (પેરોલ) પર છુટયા બાદ જેલમાં હાજર થવાના બદલે ભુર્ગભમાં ઉતરી ગયો છે. ત્યારે આધારભૂત વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ અક્ષીત છાયા વિદેશ ભાગી ગયો હોવાનું ચર્ચાય છે.
ગંભીર ગુનામાં પકડાયેલા કોઇપણ આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો હોય છે ત્યારે અક્ષીત છાયાએ પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો કે નહી તે મુદ્દો તપાસ માંગી લે છે જો પાસપોર્ટ જમા કરાવ્યો હતો તો બીજો પાસપોર્ટ કઢાવ્યો કે ડુપ્લીકેટ પાસપોર્ટ પર વિદેશ જતો રહ્યો તે મુદા તપાસ માંગી લે તેવા છે.
જમીન મામલે ગરાસીયા પ્રૌઢની હત્યાના આરોપી છગન બિજલના વચગાળા જામીન નામંજૂર
પોલીસની હાજરીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતનું ઢીમ ઢાળી દીધું:માતા અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવા માટે 21 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા
રાજકોટની ભાગોળે ઠેબચડા ગામે જમીનના વિવાદમાં ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં રહેલા શખ્સ ના માતાનું અવસાન થતાં અસ્થિ વિસર્જન માટે 21 દિવસના વચગાળાના માંગેલા જામીન અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે .
વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે તારીખ 30 ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં લખધિરસિંહ નવુભા જાડેજા નામના 57 વર્ષના ગરાસિયા પ્રૌઢની હત્યા થઈ હતી જ્યારે અન્ય બે વ્યક્તિ ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે ચાર મહિલા સહિત 20થી જેટલા શખ્સો સામે ઈંઙઈ કલમ 302, 324, 143, 147, 148, 149, 120(ઇ) વિગેરે મુજબ હત્યાનો ગુનો નોંધીને 20 શખસોની ધરપકડ કરી હતી. અને આરોપીને કોર્ટે જેલ હવાલે કરેલ હતા. જેમાં પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ દ્વારા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરેલ. જે પૈકી આરોપી છગન બીજલ રાઠોડ નામના શખ્સે માતૃશ્રીના અસ્થિ વિસર્જન માટે હરદ્વાર ખાતે જવાનું હોવાથી તેમજ ધાર્મિક વિધિ મોટા પુત્ર તરીકે હાજર રહેવા માટે 21 દિવસના વચગાળાની જામીન અરજી કરી હતી જામીન અરજી ચાલવામાં આવતા બંને પક્ષોના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલો બાદ સ્પેશ્યલ પી.પી. અનિલ ભાઈ દેસાઈએ કરેલી દલીલો હાઈકોર્ટના ચુકાદાઓ રજી કરેલા અગાઉ આ કેસમાં પેરોલ પર રહેલા રક્ષિત છાયા નામનો શખસ હાજર નહીં થયો તેમજ આરોપી પણ નાસી જાય તેવી શંકા વ્યક્ત કરી અને અને સાક્ષી પુરાવાનો નાશ કરશે તેવી તર્કબદ્ધ દલીલ કરી હતી જ્યારે ફરિયાદી ના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર દ્વારા લેખિત વાંધાઓ રજુ કરવામાં આવ્યા હતા.
કાયદા વિષયક વિસ્તાર પૂર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતાં એડિશનલ સેશન્સ જજ એ. વી. હિરપરાએ છગન બીજલ રાઠોડની વચગાળાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સ્પેશ્યલ પીપીતરીકે અનિલભાઈ દેસાઈ અને મૂળ ફરિયાદી ના એડવોકેટ તરીકે રુપરાજસિંહ પરમાર અને અજીત પરમાર રોકાયા હતા.