ઠેબા ચોકડીએ પેટ્રોલપંપે બેઠેલા યુવાન સાથે કાર ભટકાડી ગળા પર છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધુ: મૃતક અને બરતરફ પોલીસને રેતીના ભાગીદારીના ધંધામાં મન દુ:ખ થતાં હત્યા કરાઈ: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
જામનગરમાં ધંધાકીય અદાવતના કારણે એક યુવકની ઘાતકી હત્યા નિપજાવાઇ હતી. રેતીના ધંધાના ખારમાં તેને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી હત્યા નિપજાવી આરોપી બરતરફ પોલીસ કર્મચારી ફરાર થઈ ગયો હતો.
શહેરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા અને રેતીના ધંધા સાથે સંકળાયેલા મૂળ ભાતેલ ગામના વતની યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા નામના 26 વર્ષના યુવાનને જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા અને મારામારી, ધાક ધમકી સહિતના ગુનાઓને લઈને ડિસમિસ થઈ ગયેલા પોલીસ કર્મચારી ઈશ્વરસિંહ સતુભા જાડેજાએ ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
મૃતક યુવરાજસિંહ અને આરોપી ઈશ્વરસિંહ બંને વચ્ચે રેતી ખનન મામલે ભાગીદારીમાં ધંધા પછી મન દુખ ચાલતું હતું. જેનો ખાર રાખીને આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. મૃતક યુવાન સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ નજીક એક ખુરશી પર બેઠો હતો તે દરમિયાન આરોપી ઈશ્વરસિંહ પોતાની કારમાં બેસીને પૂરપાટ વેગે આવ્યો હતો, અને સૌપ્રથમ ખુરશી સહિત યુવરાજસિંહને ઉડાડી દીધો હતો.
ત્યારપછી કારમાંથી ઉતરી છરી કાઢી યુવરાજસિંહના ગળાના ભાગે ઝીંકી દીધી હતી, અને તેની શ્વાસ નળી કપાઈ જતાં ઘટનાસ્થળે શ્વાસ થંભી ગયો હતો. આ ઘટના પછી આરોપી કારમાં બેસીને ભાગી છૂટ્યો હતો.દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયત કયી હતો. પરંતુ તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી પણ હોસ્પિટલે દોડી ગયા હતા. પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો અને હોસ્પિટલમાં ભારે તંગ વાતાવરણ બન્યું હતું.
આ ઘટનાને લઇને ભારે દોડધામ થઇ હતી અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત એલસીબી, એસઓજીની ટુકડી અને પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પેટ્રોલ પંપના સીસીટીવીના ફૂટેજ જ મેળવ્યા હતા. આરોપીને શોધવા માટે પોલીસની જુદી જુદી ટુકડી દોડધામ કરી રહી છે. આ બનાવ અંગે પંચકોશી બી. ડીવિઝન પોલીસ મથકમાં આરોપ ઈશ્વરસિંહ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રેતી ખનનમામલે જામનગર જિલ્લામાં મહિના દરમિયાન બીજી હત્યા થઈ છે જેથી ભારે ચકચાર પ્રસરી છે.