આજે માત્ર 28.57 લાખની જ રિક્વરી: 10 મિલકતો સીલ અને 10ને ટાંચ જપ્તીની નોટિસ
પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી 10 ટકા વેરા વળતર યોજના પૂર્ણ થતાંની સાથે જ ટેક્સની આવકમાં તોતીંગ ગાબડું પડ્યુ છે. છેલ્લા બે માસથી કરોડોમાં થતી ટેક્સની આવક હવે લાખો રૂપિયામાં આવી જવા પામી છે. બીજી તરફ ટેક્સ બ્રાન્ચ દ્વારા હાર્ડ રિક્વરીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. હવે સામાન્ય રકમ પણ બાકી રહેતી હોય તો પણ મિલકતો ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી દરમિયાન શહેરના વોર્ડ નં.3માં રૈયા રોડ, વોર્ડ નં.4માં સદગુરૂનગર, મોરબી રોડ, વોર્ડ નં.5માં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તાર, વોર્ડ નં.6માં શિવશક્તિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, વોર્ડ નં.7માં ઢેબર રોડ અને ગોંડલ, વોર્ડ નં.8માં ટાગોર રોડ અને યોગીરાજ એપાર્ટમેન્ટ, વોર્ડ નં.9માં સુપદ કોમ્પ્લેક્સ, વોર્ડ નં.12માં ખોડિયાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, વોર્ડ નં.15માં ભારતનગર અને વોર્ડ નં.17માં ઢેબર રોડ પર બાકીદારો પર ધોંસ બોલાવવામાં આવી હતી. જે અંતર્ગત 10 બાકીદારોની મિલકતોને સીલ કરી દેવામાં આવી છે અને 10ની મિલકત ટાંચમાં લેવામાં આવી છે. વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ ટેક્સની આવકમાં ગાબડું પડ્યું છે. નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં 197 કરોડની આવક થવા પામી હતી. આજે બપોર સુધીમાં ટેક્સ પેટે માત્ર રૂ.48.57 કરોડ ઉપજ્યા હતા.