હમારી જેલમેં…!!??
સાબરમતી જેલમાં કેક કાપી ૨૦૨૦નાં અનોખા વધામણા થયા હોવાનાં અહેવાલોથી ખળભળાટ
હમારી જેલ મેં સુરંગ…!!! શોલે ફિલ્મનો પ્રસિઘ્ધ ડાયલોગ લોકોની જીભે ચડેલો છે ત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં ગેંગસ્ટર દ્વારા નવા વર્ષે થયેલી પાર્ટીની વિગતોનાં કારણે ચકચાર મચી જવા પામી છે. સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા ગેંગસ્ટરે નવા વર્ષે પાર્ટી આપી હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. ન્યાયિક રીતે દોષિત પુરવાર થયેલા આરોપીઓને જેલની સજા ફટકારવામાં આવતી હોય છે ત્યારે સાબરમતી જેલમાં સજા ભોગવનાર ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી કે જે ગુજસીટોક હેઠળ પ્રથમ ગેંગસ્ટર તરીકે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલો છે. આરોપી જેલમાં નવા વર્ષની પાર્ટી કેક કાપી મનાવી હોવાનું ક્રાઈમ બ્રાંચના સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ તકે ગોસ્વામીનાં ગેંગ મેમ્બરોની જયારે તપાસ ચાલી રહી હતી ત્યારે એ વાતની સ્પષ્ટતા થઈ શકે છે કે, વિશાલ ગોસ્વામી દ્વારા નવા વર્ષની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાંચનાં સ્પેશિયલ કમિશનર અજય તોમરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જેલમાં જે પ્રતિબંધિત ચીજવસ્તુઓ હોય તે કેવી રીતે મળી તે પણ એક પ્રશ્ર્નાર્થ છે. ક્રાઈમ બ્રાંચનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણી વખત ગોસ્વામી તેના સેલની બહાર જોવા મળતો હતો. આ તમામ ઘટનાઓને જોડતા ગ્રુપ-બીનાં જેલર બી.આર. વાઘેલા અને ટ્રાન્સફર થયેલા જેલર એચ.આર. વાઘેલા ઉપર પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચનાં અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અંગેનો આખો રીપોર્ટ ડિજીપી સુધી પહોંચાડવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વિશાલ ગોસ્વામી જેલની અંદર રહી તેના ફેક એકાઉન્ટનો ઉપયોગ પણ કરતો નજરે પડયો હતો અને તેને ફોન કયાંથી મળ્યો તે પણ એક શંકાનો વિષય છે. હાલ પોલીસ તંત્ર દ્વારા તેમના ફોનને ફોરેન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચના સુત્રોનાં જણાવ્યા અનુસાર વિશાલ ગોસ્વામી તથા તેનો મોટો ભાઈ અજય અને રીન્કુ ગોસ્વામી દ્વારા જેલની અંદરથી જ એકસ્ટોશન રેકેટ હાથ ધરવામાં આવતું હતું જેમાં તેના અન્ય સાગરિતો જેવા કે બિજેન્દ્ર ગોસ્વામી, જયપુરી ગોસ્વામી, અનુરાગ ગોસ્વામી, આલોક શિવકુમાર વર્મા કે જેઓ ઉધોગપતિઓને ધાક-ધમકાવતા હતા. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ એટલે કે ગુજસીટોક હેઠળ વિશાલ ગોસ્વામીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચનાં ઈન્વેસ્ટીગેશન અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, તેઓને બે ડાયરીઓ પણ મળેલી છે જેમાં અનેકવિધ લોકોનાં નામ અને નંબર પણ મળી આવ્યા છે. તપાસમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે આલોક વર્માએ આરોપીઓને પિસ્તોલ આપી હતી અને કે જયારે તે વિશાલ સાથે જેલમાં સજા ભોગવી રહ્યો હતો. વધુ પુછતાછમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે જે ગેંગ દ્વારા સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો તે મુખ્યત્વે ઉત્તરપ્રદેશથી લેવામાં આવતો અને દરેક એકસ્ટોર્શન એટલે કે ખંડણીની માંગ કર્યા બાદ તે સીમકાર્ડને તોડી પણ નાખવામાં આવતું હતું.