ઉત્તર પ્રદેશનાં કુખ્યાત શખ્સનું એરપોર્ટ ઉપર તેના સમર્થકોએ ફૂલોથી સ્વાગત કર્યું હોવાની શરમજનક ઘટના ઘટી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને રાજકારણી અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાં લવાયો છે. વારાણસીથી સવારે અહેમદને ફ્લાઈટમાં અમદાવાદ લવાયો હતો. એરપોર્ટથી સીધો જ જેલમાં મોકલાયો હતો. જ્યાં તેને હાઈસિક્યુરીટીમાં સાબરમતી જેલમાં રખાયો છે.
ઉત્તરપ્રદેશમાં રિયલ એસ્ટેટના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમહને વિમાન માર્ગે સવારે ૧૧ વાગ્યાની આસપાસ વારાણસીથી અમદાવાદ લાવવામાં આવ્યો. અતિકને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈસિક્યુરીટીમાં રાખવામાં આવશે. અતિકને જ્યારે અમદાવાદ લાવવામાં આવ્યો ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના ઘેરા વચ્ચે અતીક અહેમદને એરપોર્ટથી સીધો પોલીસ કાફલા સાથે સાબરમતી જેલમાં લઈ જવાયો હતો. જેલમાં પણ હાઈસિક્યુરીટી વચ્ચે તેને રાખવામાં આવ્યો છે.
જ્યારે યુપીના આ ગેંગસ્ટરને અમદાવાદ એરપોર્ટ લવાયો ત્યારે એરપોર્ટ પર તેના અનેક સમર્થકો ઉપસ્થિત હતા. તેના સમર્થનમાં સુત્રો લગાવ્યા હતા. ફુલ પણ ફેંક્યા હતા. ગુજરાત જેવા શિક્ષિત શાંત રાજ્યમાં આ પ્રકારે એક ગેંગસ્ટરનું ફુલોથી સ્વાગત કરવું કેટલું યોગ્ય છે. જેણે નિર્દોષોના લોહી વહાવ્યા છે. અનેક લોકોના ઘર ભાંગ્યા છે. તે અતિક અહેમદનું ફુલોથી જગજાહેર સ્વાગત ગુજરાત માટે શરમજનક ઘટના કહી શકાય. તો એ પણ જાણવા જેવું છે કે એક ગુંડાનું ફુલોથી સ્વાગત કરનારા કોણ હતા ? પોલીસે આ સમર્થકો પર નજર રાખવી પડશે. કારણ કે આપણા ગુજરાત જેવા રાજ્યમાં એક ગુંડાના સમર્થકો તેના નામના સરાજાહેર સુત્રો પોકારે અને ફુલોથી સ્વાગત કરે તે સારા સંકેતો નથી. કારણ કે આપણા ગુજરાતને લતીફ જેવા નેતા અને ગુંડાની ચુંગાલમાંથી બહાર નીકળતા અનેક વર્ષો નીકળી ગયા હતા. લતીફનો સમય ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદી લોકોએ જોયો છે. તેના ત્રાસ અને આતંકી પ્રવૃત્તિથી સૌ કોઈ માહિતગાર છે.
ગુજરાતને ફરી પાછા લતીફ જેવા સમયની જરૂર નથી. અતીક અહેમદ જેવા ગેંગસ્ટરોનું આ પ્રકારે ફુલોથી સ્વાગત થશે તો ફરી પાછો લતીફ જેવો સમય આવતા વાર નહીં લાગે. ગુજરાતને યુપી, બિહાર બનતા પણ વાર નહીં લાગે.