૧૧૦૫૬ લાભાર્થીઓને રૂ.૩.૧૦ કરોડનું ચુકવણું કરાયું

પ્રવર્તમાન કોરોના વાયરસની સંક્રમિત બીમારીના કારણે લોકડાઉનના સમયગાળામાં જામનગર ટપાલ વિભાગ દ્વારા મંડળ હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના પેન્શનરોને પેન્શન અને ગંગાસ્વરૂપ વિધવા બહેનોને આપવામાં આવતી સહાય તેમના ઘર આંગણે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વગર ચૂકવવામાં આવી રહી છે.

સરકાર દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને એપ્રિલ મહિના સુધીની સહાય લાભાર્થીઓના પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટીતંત્ર, પોસ્ટ વિભાગ અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંકલન દ્વારા વિધવા સહાયના લાભાર્થીઓને ઘરે ઘરે જઈને સહાયની રકમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં તા. ૩ એપ્રિલથી આ સહાય લાભાર્થીઓના ઘરઆંગણે પહોંચાડવામાં આવી રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ચુકવણું જામનગર હેડ પોસ્ટ ઓફિસ મારફત કરવામાં આવે છે ત્યારે બંને જિલ્લાના પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે ઘરે જઈને આ સહાય ચુકવવામાં આવી રહી છે.

હાલ સુધીમાં જામનગર જિલ્લાના કુલ ૮૨૦૭ ગંગાસ્વરૂપ વિધવા સહાય લાભાર્થી બહેનોને કુલ રૂ. ૨,૧૭,૩૧,૦૦૮ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૨૮૪૯  ગંગાસ્વરૂપ વિધવા સહાયના લાભાર્થી બહેનોને કુલ રૂ. ૯૩,૨૬,૯૧૦ નું ચુકવણું થયેલ છે. જામનગર ટપાલ મંડળ હેઠળ આવતી જામનગર હેડ પોસ્ટ ઓફિસ અને ખંભાળિયા મુખ્ય ડાકઘરમાં ઓફિસમાં રૂબરૂ તેમજ અન્ય ૪૯ ઓફિસમાં પોસ્ટમેન ગ્રામીણ ડાક સેવકો મારફત ગંગાસ્વરૂપ વિધવા બહેનોને ઘરબેઠા ઘર આંગણે સહાયનું વિના વિલંબે ચુકવણું કરવામાં આવી રહ્યું છે.

સહાયના ચુકવણા સિવાય પણ પોસ્ટ વિભાગ દ્વારા એક અનેરૂ કદમ લેવાયું છે કે જિલ્લા જેલની અંદર પણ કેદીઓને જો પૈસાની આવશ્યકતા ઊભી થાય તો શું?  તે માટે ઈ-મનીઓર્ડરની સુવિધા શરૂ કરાઇ છે. ઇ-મની ઓર્ડર દ્વારા બુકિંગ કરી બંદિવાનોને પેમેન્ટ કરાય છે અને હાલ સુધીમાં ૨૫ બંદિવાનોના બુકિંગ થયા છે જેઓને મનીઓર્ડરના રૂ. ૩૫,૬૨૫ જમા કરાવી દેવામાં આવેલ છે. આ વ્યવસ્થા અંતર્ગત જામનગર  જેલના બંદિવાનના પરિવારજન ગમે તે પોસ્ટ ઓફિસેથીમનીઓર્ડર બુક કરાવી શકે છે જે તેનાં સ્વજનને કે જેઓ બંદિવાન છે તેમને જેલ ખાતે ચુકવી દેવામાં આવે છે.

તદુપરાંત આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા આધાર કાર્ડ થકી કોઈપણ વ્યક્તિને પેમેન્ટ જોઈતું હોય તો કોઇપણ ઓફિસનો કોઈપણ પોસ્ટમેન વ્યક્તિના આધારકાર્ડ લઈ તેના નંબર સાથે તેની પાસબુકમાંથી પેમેન્ટ લઈ સ્થળ પર જ તે વ્યક્તિને પેમેન્ટ આપે છે.

વળી પોસ્ટલ વિભાગ દ્વારા જો કોઈ વ્યક્તિને ભારતમાં કોઈ પણ સ્થળે દવા મોકલવી હોય તો હાલની સ્થિતિમાં તે પાર્સલને ટોપ પ્રાયોરિટીમાં સ્થાન આપી જે તે સ્થળે દવા પહોંચાડવામાં આવે છે.હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તેમની સહાય કે પેન્શન કે કોઈપણ અન્ય સેવા મેળવવામાં તકલીફ ના પડે તે માટેની દરેક બાબતોને ધ્યાનમાં રાખીને તેમજ તકેદારી સાથે પોસ્ટ વિભાગ દ્વારા લોકોને સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. ડોર સ્ટેપ ડીલેવરી કરતા પોસ્ટ વિભાગના કર્મયોગી કોરોના વાયરસની મહામારીમાં પોતાના જોખમે કામ કરી લોકોને સલામત રાખવાની ઉદ્દાત ભાવના દર્શાવી “લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવાની” અપીલ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.