ડ્રગ્સનો નશો કરાવી આબુ, ઉદયપુર, ગાંધીધામ અને અમદાવાદની જુદી જુદી હોટલમાં લઇ જઇ ગેંગ રેપ ગુજાર્યો
પિસ્તોલ બતાવી ધમકી દઇ ચાલુ કારે દુષ્કર્મ આચર્યુ પાંચ પૈકી ત્રણ શખ્સોની અનેક ગુનામાં સંડોવણી
રાજકોટની યુવતીને કોર્પોરેટ ક્ષેત્રમાં સારી નોકરી અપાવી દેવાની લાલચ દઇ અમદાવાદના પાંચ શખ્સોએ આબુ, ઉદયપુર, ગાંધીધામ, બોપલ અને અમદાવાદમાં પિસ્તોલ બતાવી ચાલુ કારે સામુહિક બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ મથકના સ્ટાફે પાંચેય કામાંધ સામે ગેંગ રેપનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજકોટની અને હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી યુવતીએ અમદાવાદના પ્રજ્ઞેશ ઉર્ફે પીજી હર્ષદ પટેલ, તેની પત્ની નિલમ પટેલ, જીતેન્દ્રપુરી બળદેવપુરી ગૌસ્વામી, જયમીન પટેલ, માલદે ભરવાડ નામના શખ્સોએ કોર્પોરેટ ક્ષેત્રમાં નોકરી અપાવવાની લાલચ દઇ આબુ, ઉદયપુર, બોપલ અને ગાંધીધામમાં અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથધરી છે.
યુવતી સોશ્યલ મિડીયાના માધ્યમથી માલદે ભરવાડના પરિચયમાં આવતા બંને વચ્ચે મિત્રતા કેળવાતા માલદે ભરવાડે કોર્પોરેટ ક્ષેત્રમાં સારી નોકરી અપાવી દેવાની લાલચ દઇ યુવતીને હોટલમાં મિટીંગ માટે બોલાવી જીતેન્દ્રપુરી અને પ્રજ્ઞેશ પટેલ મુલાકાત કરાવી હતી. બંને શખ્સોએ યુવતીને આબુ અને ઉદયપુરની અલગ અલગ હોટલમાં લઇ જઇ ત્યાં ડ્રગ્સ અને દારૂ બંને શખ્સોએ પીધો હતો અને યુવતીને પણ પીવડાવી બેભાન બનાવી બંને શખ્સોએ બળાત્કાર ગુજારી યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતા.
યુવતી ભાનમાં આવી ત્યારે પોતાને નિવર્સ્ત્ર જોઇ ચોકી ઉઠી હતી અને બંને શખ્સો સાથે ઝઘડો કર્યો ત્યારે તેને પોતાના મોબાઇલમાં બિભત્સ ફોટા બતાવી વાયરલ કરવાની ધમકી દીધા બાદ રાજસ્થાનથી પરત અમદાવાદ આવવા કારમાં રવાના થયા ત્યારે ચાલુ કારે પિસ્તોલ બતાવી ફરી સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો તેમજ યુવતીને ગાંધીધામની કંપનીમાં નોકરી અપાવાની લાલચ દઇ કચ્છમાં લઇ જઇ ફરી બળાત્કાર ગુજાર્યો હતો તેમજ અમદાવાદની હોટલમાં અને બોપલ વિસ્તારમાં પણ ચારેય શખ્સોએ બળાત્કાર ગુજાયો હતો ત્યારે પ્રજ્ઞેશ પટેલની પત્ની નિલમ પટેલે યુવતીની નજર ચુકવી અસલ પાસપોર્ટ અને રૂા.૩૦ હજાર રોકડા સેરવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અમદાવાદ મહિલા પોલીસે પાંચેય સામે ગેંગ રેપનો ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવતા પોલીસે દંપત્તી સહિત પાંચેયની શોધખોળ હાથધરી છે. પોલીસ તપાસ દરમિયાન પ્રજ્ઞેશ પટેલ સામે ખંડણી, અપહરણ અને જમીન કૌભાંડ સહિત દસ જેટલા ગંભીર ગુના નોંધાયા છે., જીતેન્દ્રપુરી સામે ચાર અને માલદે ભરવાડ પણ જમીન કૌભાંડમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે.