પુત્રના અકસ્માતમાં મોત બાદ બદલાઈ ગઈ ઈલે. મિકેનીકની જીંદગી
કેટલાક લોકો એવા હોય છે જેના જીવનમાં એવો કોઈ બનાવ બને છે. ત્યારે તેની જીંદગી બદલાઈ જાય છે. આવો જ એક કિસ્સો રાજધાની દિલ્હીનાં ગંગારામનો છે. પોતાના પુત્રના અકસ્માતમાં મોત બાદ ગંગારામની જીંદગી બદલાઈ ગઈ છે. તે પોતાના રહેઠાણ નજીકનાં જાહેર ચોકમાં છેલ્લા ૩૨ વર્ષથી કોઈ પણ જાતનો પગાર કે મહેનતાણુ લીધા વિના ટ્રાફિક નિયમનની ફરજ બજાવે છે.
ગંગારામ સવારે ૯ વાગ્યાથી રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી સીલમપૂર લાલબતી પર વાહન વ્યવહાર ટ્રાફિકનું નિયંત્રણ કરે છે. પોતાની ફરજ દરમિયાન હાથમાં લાકડી રાખે છે. અને ત્યાંથી પસાર થતા વાહનોને દિશા બતાવે છે. વાહનોની આવજાનું નિયંત્રણ કરે છે. તમને એ સવાલ થશે કે ગંગારામ વગર પગાર આવું છેલ્લા ૩૨ વર્ષથી શા માટે કરે છે ગંગારામ આવી જનતા સેવા કરવા પાછળનું કારણ એ છે કે વર્ષો અગાઉ માર્ગ અકસ્માતમાં તેના પુત્રનું મોત થયું હતુ ત્યાર બાદ તેની પત્ની રોડ અકસ્માતમાં મૃત્યુ પામી આથી તે એકલા પડી ગયા ગંગારામે પુત્ર અને પત્નીના મોત બાદ એવો નિર્ણય લીધો કે હું જયાં સુધી જીવીશ ત્યાં સુધી પોતાના વિસ્તારમાં ચોકમાં ટ્રાફીક નિયમન કરીશ. તેની આ સેવાને જોઈ કેટલાય લોકોએ તેની પ્રશંસા કરી છે. કેટલાક લોકોએ તેને નવા ડ્રેસની ઓફર કરી પણ તેણે આવી કોઈપણ ભેટ સ્વીકારવાની ના પાડી દીધી ને કોઈ સ્વાર્થ વગર આ સ્થળ પર કોઈ અકસ્માત ન થાય એટલા માટે જ સવારથી રાત્રી સુધી ટ્રાફિક વ્યવસ્થા સંભાળે છે.
પત્ની અને પુત્રના મોત પહેલા ગંગારામ એક દુકાનમાં ઈલેકટ્રોનીકસ વસ્તુઓનાં રીપેરીંગનું કામ કરતા હતા. પુત્રના અકસ્માતમાં મોત બાદ તેનું જીવન જ બદલાઈ ગયું ટ્રાફીક પોલીસ જેવો ડ્રેસ પહેરી સીલમપૂર વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરવા પોતે ફરજ બજાવે છે. અને એ પણ કોઈજાતનો પગાર લીધા વિના.
કોરોનાના કહેર વચ્ચે ય અવિરત સેવા
કોરોના વાયરસના સમયમાં મોટાભાગ લોકો સંક્રમણના ડરથી પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. પણ ગંગારામ પોતાની ટ્રાફિક નિયમનની સેવા માટે રોજ સમયસર પહોચી જાય છે. તેમનું ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી વખતે કેટલીય સંસ્થાઓએ સન્માન કર્યું છે. તેને પોલીસ તરફથી કેટલાય મેડલ મળી ચૂકયા છે.