ભાદ્રોડ રોડ ગામ મહુવા તાલુકામાં આવેલ છે. આ વાત જુના જમાનાની છે. આ ગામમાં બ્રાહ્મણોની વસ્તી વધુ. આ વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો ને ભદર પણ કહેવાય છે. કદાચ આ કારણે ગામનું નામ ભાદ્રોડ રોડ હશે. દરેક જ્ઞાતિ ના લોકો આ ગામમાં રહે છે. પાંચ ભાઈબંધો એ શ્રાવણ માસ માં ગંગાસ્નાન કરવા જવાનું નક્કી કર્યું. તેમાં એક બ્રાહ્મણ (રાજ્યગોર – જોશી અટકવાળા તલાજીયા બ્રાહ્મણ) બીજા દરબાર (વાળા અટકવાળા ગરાસિયા) ત્રીજા પંચોળી (કળસરીયા અટકવાળા આહીર) ચોથા વણિક (સંઘવી અટકવાળા કપોળ વાણિયા) પાંચમા શેઠ (શેઠ અટકવાળા જૈન વણિક) અને આ પાંચેય યાત્રિકો એ એક મુસ્લિમ (કાબરીયા અટકવાળા ઘાંચી) ની બળદગાડી ભાડે કરી કાશી જવા નું નક્કી કર્યું. તે વખતે દરેક ગામ માં વસતી જ્ઞાતિ ઓ પાસે કાંઈક ખાસ આવડત અને વિદ્યા (માહીતી) હતી. ઉપર બતાવેલ સંઘ માં પણ આવું હતું. શ્રાવણ માસ માં બધા એકટાંણા રહેતા. ગાડાવાળા ઘાંચી ને રમઝાન ના રોઝા પણ શ્રાવણ સુદ એકમ થી શરૂ થતા હતા. સિધુ સામાન, પાગરણ સાથે સૌ ભાદરોડ થી રવાના થયા. દરબાર ની હિંમત, બ્રાહ્મણ ની ધાર્મિકતા અને રસોઈ કળા, કપોળ ની કોઠાસૂઝ, જૈન ની હિસાબી આવડત, આહિર ની સેવા કરવાની ભાવના અને મુસ્લિમ ની ઈમાનદારી નો લાભ લેતા લેતા યાત્રાળુ કાશી જઈ રહ્યા છે.
કાશી વિશ્વનાથ ના દર્શન પાંચેયે કર્યા. પાછા ફરતી વખતે ગાડાવાળા મુસ્લિમ બીરાદરે અજમેર ના પીર ને ચાદર ચડાવી. સૌ એ ગંગાજળ ની લોટીઓ પણ લીધી હતી. સૌ ભક્તિ ના રંગે રંગાઈ ગયા હતા. ભાદ્રોડ રોડ ત્રણ માસ પછી સૌ આવ્યા ત્યારે આખા ગામમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. કારતક સુદ અગીયારશ પછી ગામોત્સવ કરી ગંગાજળ ની છ એ છ લોટીઓ ખોલવા નું નક્કી કર્યું. માગશર માસમાં સારૂ મુહૂર્ત આવ્યું. આખા ભાદ્રોડ રોડ માં ઉમંગ છવાઈ ગયો. ભાદરોડી નદી ને કાંઠે મોટા ખેતર ની જગ્યાએ સૌ ભેગા થયા. છ એ યાત્રાળુઓ એ પૂજન કરી ગંગાજળ ની લોટીઓ એક પાત્ર માં ખાલી કરી. તેમાં ભાદ્રોડી નદી નું જળ ઉમેરી આખા ગામના લોકો ને ગંગાજળ નુ ચરણામ્રુત વહેંચવામાં આવ્યું. જ્યારે ગંગાજળ વાળુ પાત્ર ખાલી થવાની તૈયારીમાં હતું ત્યારે તેમાં નાનો સાપ દેખાયો. સૌ મુંઝાયા. મુસ્લિમ સહિત છ એ નાગદાદા ને પ્રાર્થના કરી કે હે ગંગાજળીયા દાદા અમે અમારી યાત્રા નું પુણ્ય સમસ્ત ગામના લોકો માટે અર્પણ કરીએ છીએ. પણ કોઈ ને ઉંની આંચ પણ નહીં આવવી જોઈએ. ગામ માં રહેતા કોઈ ને પણ કાંઈ ન થયું. અને લોકો એ પાત્ર માં રહેલ ગંગાજળ સાથે નો નાગ જમીનમાં છૂટો મુકી દીધો. તે જગ્યાએ આજે ગંગાજળીયા નાગદાદાનું સ્થાનક છે. આગળ દર્શાવેલ છ એ અટકવાળા જેઓ આ માટે નિમ્મિત બનેલા તેમના વંશજો ગંગાજળીયાદાદા ની પૂજા, માનતા કરે છે. તલાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ ના રાજ્ગોર-જોશી અટક વાળા પરીવાર તેમના શુભ પ્રસંગે નિયત થયેલા માણામાપ નો તલવટ ફરજીયાત કરે છે.