પૂર્વ વિપક્ષી નેતા મોઢવાડીયાની આગેવાનીમાં કોંગી કાર્યકરો ધસી ગયા
ગુજરાતમાં ઠેર-ઠેર મગફળી ખરીદીમાં ગેરરીતિઓ, મગફળી સળગાવી મારવાના કૌભાંડો અને મગફળીમાં ધુળ-માટી મેળવવાના તથા મગફળી સગેવગે કરવાની ગેરરીતીઓ બહાર આવી રહી છે ત્યારે પોરબંદરમાં પણ મસમોટું મગફળી કૌભાંડ આચરવામાં આવ્યું હોય અને કરોડોની કિંમતની મગફળી ગુજરાતની ભાજપ સરકારની ઘોર બેદરકારીને કારણે સડી ગઈ છે.
ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન હસ્તકના ગુજકોટ કંપનીએ ભાડે લીધેલ ગોડાઉનમાં જનતા રેડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષમાં ટેકાના ભાવે ૮.૩૦ લાખ મેટ્રીક ટન મગફળી ખરીદી કરી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
સરકારે ખરીદેલ ટેકાના ભાવની મગફળી ગુજરાતના અલગ અલગ ૪૦થી વધુ સ્થળોએ ખાનગી, અર્ધખાનગી અને સરકારી ગોડાઉન કે વેર હાઉસમાં રાખવામાં આવી છે ત્યારે પોરબંદરના સુભાષનગર ખાતે મગફળી ખાતેના ગોડાઉનમાં કોંગ્રેસ જનતા રેડ કરી તે સમયે ગોડાઉન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ જોડે ઝપાઝપી કર્યા બાદ કોંગ્રેસના કાર્યકરો સહિતના લોકો ગોડાઉનમાં ઘુસી જનતા રેડ કરી તે સમયે ગોડાઉનમાં ધુળ, ઢેકા, રેતી સાથે છુટ્ટા મગફળીના ઢગલા નજરે પડયા હતા.