પ્રહલાદ પ્લોટમાંથી વેગનઆરની ચોરી કરી પાંચેય શખ્સોએ બે રિવોલ્વર સાથે બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં લૂંટ, શક્તિનગરમાં લૂંટનો પ્રયાસ અને પોપૈયાવાડીમાં ચોરી કર્યાની કબૂલાત: ત્રણ શખ્સોને મોચીનગરમાંથી ઝડપી લીધા: ત્રણની શોધખોળ
શહેરના બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહેતા ભીલ પરિવારને ત્યાં દિલધડક લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ સરદારજીને ઝડપી લૂંટનો પુરેપુરો મુદામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટા‚ ગેંગે છેલ્લા દોઢેક વર્ષમાં ૧૪ સ્થળે ચોરી અને લૂંટ કર્યાની કબુલાત આપી છે. પોલીસે ત્રણ સાગરિતોની શોધખોળ હાથધરી છે.
એક જ રાતમાં લૂંટ, લૂંટનો પ્રયાસ અને ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે પોલીસની જુદી જુદી સાત જેટલી ટીમ બનાવી સીસીટીવી ફુટેજ, મોબાઇલ લોકેશન અને બાતમીદારોને કામ લગાડયા હતા. વેગનઆર કાર કોઠારિયા પાસેથી રેઢી મળી આવ્યા બાદ પોલીસે તા.૨૧મીની રાતે કાર શહેરના કયાં કયાં વિસ્તારમાંથી પસાર થઇ તે અંગેના ફુટેજ મેળવ્યા હતા. ફુટેજમાં અગાઉ હથિયારના ગુનામાં ઝડપાયેલા સરદારજીને પોલીસે ઓળખી લેતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, જગમાલભાઇ અને સંતોષભાઇ મોરી સહિતના સ્ટાફે ત્રણ સરદારજીને ૧૫૦ ફુટ રીંગ રોડ પર મોચીનગરમાંથી ઝડપી લીધા હતા.
સાધુવાસવાણી રોડ પર આવેલી બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહેતા શિક્ષક પરેશભાઇ માલીને ત્યાં ત્રાટકેલા પાંચ બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર અને છરી જેવા હથિયાર બતાવી રૂ.૩.૬૮ લાખની મત્તાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી હતી.
પાંચેય લૂંટારા જી.જે.૩બીએ. ૬૪૦૭ નંબરની વેગનઆર કાર લઇને લૂંટ ચલાવવા આવ્યાના સીસીટીવી ફુટેજ મળ્યા હતા. કાર નંબરના આધારે તપાસ કરતા પાંચેય લૂંટારાઓએ પ્રહલાદ પ્લોટમાં આવેલા અમૃત મકાનમાં રહેતા હરેશભાઇ વિરજીભાઇ સોલંકીની વેગનઆર હોવાનું બહાર આવ્યું હતું. હરેશભાઇ સોલંકીની જી.જે.૩બીએ. ૬૪૦૭ વેગનઆર કારની ચોરી કરી બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં જઇ ‚ા.૩.૬૮ લાખની લૂંટ ચલાવ્યા બાદ છ લૂંટારા યુનિર્વસિટી રોડ પર આવેલા શક્તિનગર શેરી નંબર ૩માં રાજનંદની એપાર્ટમેન્ટમાં ત્રાટકયા હતા. એપાર્ટમેન્ટના ચોકીદાર પ્રકાશભાઇને છરી બતાવી હાથ બાંધી દીધા બાદ રવિન્દ્રકુમાર કાળીદાસ પટેલના ફલેટનો દરવાજો ખટખટાવ્યો હતો પણ તેઓએ દરવાજો ન ખોલતા તોડવાનો પ્રયાસ કરતા ગોકીરો થતા ત્યાંથી ભાગી ગયા હતા.
ચોરેલી કાર સાથે સાગર હોલ પાસે ૮૦ ફુટ રોડ પર થઇ ન્યુ પોપૈયાવાડીમાં પહોચ્યા હતા અને વહેલી સવારે પાંચ વાગે જયંતીભાઇ કાનજીભાઇ ટાકના બંધ મકાનના તાળા તોડી કબાટની તિજોરીમાંથી ચાંદીના ઘરેણા અને રોકડ મળી ‚ા.૪૯ હજારની મત્તાની ચોરી કર્યાની કબૂલાત આપી છે.
રાતે બાર વાગે કારની ચોરી કરી વહેલી સવારે ચાર વાગે બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં લૂંટ ચલાવી શક્તિનગરમાં રાજનંદની એપાર્ટમેન્ટમાં લૂંટનો પ્રયાસ અને ન્યુ પોપૈયાવાડી વિસ્તારમાં ચોરેલી કાર સાથે પહોચી સવારે પાંચ વાગે બંધ મકાનના તાળા તોડી ચોરી કર્યાની ઘટના ઉપરાંત છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અન્ય દસેક સ્થળે ચોરી કર્યાની કબૂલાત આપી છે.