રસોઇ બનાવવાનું કામ અપાવવાના બહાને મોરબીના કારખાનેદાર સહિત ત્રણ શખ્સોએ આચર્યુ દુષ્કર્મ: પરિણીતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ
અમદાવાદની પરિણીતાને મોરબીમાં રસોઇનું કામ અપાવવાના બહાને લાવી બે કારખાનેદાર સહિત ત્રણ શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. મોરબીથી મહામહેનતે અમદાવાદ પહોચેલી પરિણીતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારખાનેદાર સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના નરોડા રોડ પર ક્રિષ્નાનગર સોસાયટી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી ૩૦ વર્ષની પંજાબી પરિણીતાએ અમદાવાદ મુકેશ પટેલ, મોરબીના રમેશ અને જયદીપ સામે મોરબીમાં સામુહિક બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પરિણીતા રસોઇ બનાવવાનું કામ કરતી હોવાથી મુકેશ પટેલ નામના શખ્સે મોરબીના કારખાનામાં રસોઇ બનાવવાનું કામ અપાવવાનું અને માસિક રૂ.૨૫ હજાર આપતા હોવાની લોભામણી લાલચ દઇ ગત તા.૧૬મીએ મોરબીના રાતે મોરબીના મહેન્દ્ર ચોકડી પાસે આવી જવાનું કહ્યું હતું.
આથી પરિણીતા અમદાવાદ-મોરબી રૂટની એસટી બસમાં આવી મહેન્દ્ર ચોકડીએ પહોચી મુકેશ પટેલને મોબાઇલમાં વાત કરતા તેને આઇ-૨૦ કાર મોકલતા ત્યાંથી કારમાં બેસી મોરબીથી વાંકાનેર તરફના ઓવરબ્રીજ નીચે સર્વિસ રોડ પાસે આવેલા કારખાનામાં લઇ ગયા હતા ત્યાં અમદાવાદના મુકેશ પટેલ બેઠો હતો. તેને કોઇને ફોન કરતા રમેશ અને જયદીપ નામના શખ્સો ત્યાં થોડીવારમાં આવી ગયા હતા.
ત્રણેય રસોઇનું કામ રાખવું હોય તો અમોને ખુશ કરવા પડશે તેમ કહી ત્રણેય શખ્સોએ કારખાનાની ઓફિસમાં જ બળાત્કાર ગુજારી તરછોડી મુકતા સેવાભાવી રાહદારીની મદદથી અમદાવાદ પહોચી સારવાર માટે દાખલ થયા બાદ પોતાની આપવિતી જણાવતા અમદાવાદ પોલીસે જીરો નંબરથી ગુનો નોંધી વિશેષ તપાસ અર્થે ફરિયાદને મોરબી મોકલી છે.