- માંગરોળના ચકચારી ગેંગરેપ આરોપીઓ દોષિત જાહેર
- 17 તારીખે કોર્ટ દ્વારા આરોપીઓને સજા સંભળાવશે
- પોલીસ દ્વારા 15 દિવસમાં 3,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઇ
- પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવ્યા હતા
- ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નોંધાયેલા નિવેદનો અને મજબૂત પુરાવાઓનો સમાવેશ
- પુરાવામાં મેડિકલ રિપોર્ટ્સ, સાયન્ટિફિક રિપોર્ટ્સ, મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક સામેલ
સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીને દોષિત જાહેર કર્યા છે. સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટ કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે.
નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઈટ કરતાં સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.
ત્રણ આરોપીમાં એકનું મોત, બે કસૂરવાર જાહેર આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન (રાજુ) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટેમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. એમાં સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસૂરવાર ઠેરવ્યા છે અને સોમવારે 17 તારીખે સજા સંભળાવાશે.
સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બૂમાબૂમ કરતાં આસપાસનાં ગ્રામજનો એકત્ર થયાં હતાં, જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી, જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી. તે તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે આવ્યો હતો. મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો, જેથી તેને રોકવા માટે જે-તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું, જોકે એ સમયે તેને ઈજા થઇ નહોતી.
ફરિયાદ પક્ષે દાખલારૂપ સજાની માગ કરવામાં આવી સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે બનાવ સમયે ચંદ્રપ્રકાશને કારણે અને આરોપીઓ ફ્લેશ લાઈટ કરી હોવાના કારણે પીડિતા આરોપીઓના ચહેરા ઓળખતી હતી. આ કેસમાં આરોપીઓને દાખલારૂપ સજા કરવાની માગ કરવામાં આવી છે.
મોબાઈલ ફ્લેશ લાઇટથી આરોપીની ઓળખ છતી થઈ પીડિતાએ જુબાની દરમિયાન જણાવ્યું હતું કે બનાવના દિવસે પાંચમું નોરતું હતું. ચંદ્રનો પ્રકાશ હતો. આરોપીએ મોબાઈલ કાઢી ફોટો પાડતી સમયે ફ્લેશ લાઈટ ચાલુ કરતાં તેમનો ચહેરા સ્પષ્ટ દેખાતા હતા.
સગીરા પર ગેંગરેપના ચકચારભર્યા કેસમાં પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસ માટે પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવ્યા હતા, જેમણે દિવસ-રાતની મહેનત બાદ 467 પાનાંની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી, સાથે જ 2500 પાનાંની સોફ્ટ કોપીનો પણ સમાવેશ કર્યો હતો. ચાર્જશીટમાં 60 સાક્ષીનાં નોંધાયેલાં નિવેદનો અને મજબૂત પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં મેડિકલ રિપોર્ટ્સ, સાયન્ટિફિક રિપોર્ટ્સ, મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓ સામેલ હતા.