મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ત્રણ દિવસ ગોંધી રાખી આચર્યુ દુષ્કર્મ
શહેરના મવડી વિસ્તારની શ્રીહરી સોસાયટીની સગીર વયની બાળાને લગ્ન કરવાની લાલચ દઇ ફોસલાવી ત્રણ શખ્સોએ અપહરણ કરી મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ગેંગ રેપનો ગુનો નોંધી ત્રણેય શખ્સોની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોડીરાતે સગીર વયની બાળકી પોતાના પરિવાર સાથે તાલુકા પોલીસ મથકે આવી રાજદીપ ચમન રોલા, જય રાજુ કાછડીયા અને ચિરાગ હરસુખ દેપાણી નામના શખ્સોએ ગત તા.૧૧મીએ સાડા ચાર વાગે લલચાવી ફોસલાવી અપહરણ કર્યા બાદ ક્રિષ્ના પાર્ક સોસાયટીના બ્લોક નંબર ૧૦માં ગોંધી રાખી ત્રણ દિવસ સુઘી ત્રણેય શખ્સોએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની વિગતો જણાવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો.
તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા, રાઇટર પદુભા રાણા અને હેડ કોન્સ્ટેલ હર્ષદસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે સગીર બાળાની ફરિયાદ પરથી મુળ સુરતના વતની અને કોઠારિયા નજીક સ્વાતી પાર્ક પાસે જે.કે.પાર્ક સોસાયટીના રાજદીપ ચમન રોલા, મુળ વિસાવદના વતની અને ક્રિષ્ના પાર્ક સોસાયટીના જય રાજુ કાછડીયા અને મુળ કેશોદના મેસવાણ ગામના વતની અને ક્રિષ્ના પાર્કમાં રહેતાચિરાગ હરસુખ દેપાણીની ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન સીએનસી ઓટો પાર્ટસ સેટીંગનું કામ કરતા રાજદીપ રોલા નામના પટેલ શખ્સ અવાર નવાર શ્રીહરી સોસાયટીમાં બાઇક લઇને આટાફેરા કરતો હતો અને દિવાળીના દિવસે સગીર બાળાને પોતાનો મોબાઇલ નંબર આપી ફોન કરવાનું જણાવ્યું હોવાથી સગીર બાળાએ મોબાઇલમાં વાત કરતા તા.૧૧મીએ બહાર ગામ જઇને લગ્ન કરવાની લાલચ આપી હતી.
રાજદીપ રોલા ગત તા.૧૧મીએ સાંજના સાડા ચાર વાગે સગીર બાળાના ઘર પાસે બાઇક લઇને જતા તેની સાથે સગીર બાળા આનવતા તેને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા એન્જિનીયરીંગનો અભ્યાસ કરતા જય અને ચિરાગના મકાને લઇ ગયા હતા. ત્યાં સગીર બાળા પર ત્રણેય શખ્સોએ બળાત્કાર ગુજાર્યા બાદ રૂમમાં પુરી દીધાનું જણાવ્યું હતું.
તા.૧૩મીએ મોકો મળતા સગીર બાળા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી ભાગી પોતાના ઘરે આવ્યા બાદ પોતાની માતા અને પિતાને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તાલુકા પોલીસે રાજદીપ, જય અને ચિરાગની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી સગીર બાળા પાસે ઓળખ પરેડ કરાવવાની હોવાથી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
જય અને ચિરાગ રાજકોટમાં રહી એન્જિનીયરીંગનો અભ્યાસ કરતા હોવાનું અને રાજદીપ પોતાની જ્ઞાતિનો હોવાથી પરિચયમાં આવતા સગીર બાળાના અપહરણ અને બળાત્કારમાં મદદગારી કર્યા બાદ પોતે પણ બળાત્કાર ગુજાર્યાની કબુલાત આપી છે.