તરઘડીયા રોડ અને ગઢકા રોડ પર તસ્કર ટોળકીએ બે કારખાનામાં ચોરીને અંજામ આપી ત્રણમાં ચોરીનો પ્રયાસ કર્યો

રાજકોટના તરઘડીયા રોડ પર રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ત્રણ કારખાનામાં ગઇકાલે રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટકતા કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.જેમાં તસ્કરો રૂા. 1.95 લાખની મત્તા ચોરી ગયા હતા. તે ઉપરાંત પાસેના મંદિરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.જેથી હાલ કુવાડવા પોલીસે તસ્કર ટોળકીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો મુજબ બાલમુકુંદ પ્લોટમાં તોરણ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેનભાઈ મધુસુદનભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.33)નું રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે વી.કે. હોલમાર્કિંગ, એલએલપી કંપની નામનું કારખાનુ છે. જ્યાં 23 મજૂરો કામ કરે છે. આ કારખાનું પરોઢિયે 2.30 વાગ્યે બંધ થયું હતું. સવારે જોતા તાળા તૂટેલા મળ્યા હતા. ઓફિસમાંથી તસ્કરો ચાંદીનું ચોરસુ, ચાંદીના ઢાળીયા વગેરે મળી 3 કિલો ચાંદી ચોરી ગયા હતા. જેની કિંમત રૂા. 1.80 લાખ ગણાવાઇ છે.

તસ્કરોએ કારખાનામાં લોકર રૂમનું તાળુ ઉપરાંત બેલેન્સ ડિપાર્ટમેન્ટ રૂમનો દરવાજો પણ તોડી નાખ્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતા 25 થી 30 વર્ષની વયના પાંચ તસ્કરો દેખાયા છે. જ્યારે આટલેથી નહીં અટકતા તસ્કરો બાજુમાં આવેલા ક્રિષ્ના એગ્રો નામના કૌશિકભાઈના કારખાનામાંથી રૂા. 15 હજારની ચોરી કરી ગયા હતા. જ્યારે અશોકભાઈ રૈયાણી અને પ્રફુલભાઇ રાંકના રોયલ ઇન્ડસ્ટ્રીઝ અને એલીસ્ટર ફાર્મસી નામના કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.આજે સવારે જાણ થતા કુવાડવા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસે રાજેનભાઈની ફરિયાદના આધારે ચોરીનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ કબ્જે લઇ તેના આધારે તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. એકસાથે પાંચ કારખાનાઓમાં તસ્કરો ત્રાટકતા આસપાસના કારખાનેદારોમાં ભય વ્યાપી ગયો છે.

આ જ રીતે રાજકોટ નજીકના ગઢકા ગામે ખેરડી રોડ પર પેનેક્ષ નામના કારખાનામાં તા. 7 અને 8ની રાત્રે ત્રાટકેલા તસ્કરો ઓફિસમાં આવેલા ટેબલનું તાળુ તોડી રૂા. 22 હજારની રોકડ ચોરી ગયા હતા. ત્યાંથી તિજોરી લઇ ભાગી ગયા હતા. જો કે તિજોરીમાંથી કાગળો સિવાય કાંઇ નહીં મળતા નજીકના ડુંગરાળ વિસ્તારમાં તિજોરી મૂકી ભાગી ગયા હતા. જેથી પોલીસે તરઘડીયા રોડ અને ગઢકામાં થયેલી ચોરીમાં એક જ ટોળકીનો હાથ છે કે અલગ-અલગ ટોળકીનો તે અંગે પણ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.