રાજકોટ, અમરેલી, જુનાગઢ અને આણંદ પંથકમાં અનેક યુવકોને શિકાર બનાવ્યા
કાર, રોકડ અને મોબાઈલ મળી રૂ.૫.૮૦ લાખનો મુદામાલ કબ્જે કરતી એસઓજી
અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત પાંચ શખ્સોને અમરેલી એસઓજીના સ્ટાફે બાબાપુર-તરવડા પાસેથી ઝડપી લઈ રોકડ, કાર અને મોબાઈલ મળી રૂા.૫.૮૦ લાખનો મુદામાલ કબજે કરી દુષ્કર્મના ગુનામાં ફીટ કરવાની ધમકી આપી રૂા.૭.૬૫ લાખ પડાવ્યાની આપેલી કબુલાતના આધારે વધુ તપાસ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લામાં હનીટ્રેપ ગેંગ અનેક લોકોને પ્રેમજાળમાં ફસાવી બળજબરીથી રૂપિયા પડાવતા હોવાની જિલ્લા પોલીસ વડા નિર્લીપ્તરાયને ધ્યાને આવતા આપેલી સુચનાને પગલે એસઓજીના પી.આઈ એમ.એ. મોરી સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે અમરેલી તાલુકાના બાબાપુર-તરવડા ગામ પાસે જી.જે.૧૧ સીડી ૫૬૦ નંબરની કારમાં મહિલા સહિતના શખ્સો આવી રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે બાબાપુર પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન નિકળેલી કાર અટકાવી કારમાં સવાર વિસાવદરના સુખપુર ગામનો બટુક ઉર્ફે રણવીર નારણ મોણપર, જુનાગઢની શાળાના ઉર્ફે હંસા ઉર્ફે મનીષા પટેલ, અમીન ખાન બાબી, બીલખાના જયેશ ઉર્ફે ભલો કિશોર ખાવડુ, ધારીના ભાડેર ગામના સાજણ ઉર્ફે ગઢવી નાથા માલીયા અને લીલીયાના પ્રદિપ ઉર્ફે પદુ ભુપત પરમાર નામના શખ્સોની રોકડ, કાર અને મોબાઈલ મળી રૂા.૫.૮૦ લાખનો મુદામાલ કબજે કરી ધરપકડ કરી છે.
પોલીસે પકડાયેલા શખ્સોની પ્રાથમિક તપાસ મોટા લીલીયાના ભોરીંગડા ગામના વિજય ધીરૂ પરમાર નામનો યુવકના મોબાઈલ નંબર ઉપર ગુડમોર્નીંગનો મેસેજ આવેલો જેનો રિપ્લાય આપેલો બાદ કેમ છો ડાટલીંગ એવો મેસેજ કરેલ તમો કોણ તેઓ રિપ્લાય આપેલ બાદ મનીષા પટેલ નામથી વિડીયો કોલથી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી અને અન્ય બે શખ્સો વિજય પરમારને રૂબરૂ બોલાવી કારમાં અપહરણ કરાવી મારમારી દુષ્કર્મના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂા.૫ લાખની ખંડણીની માંગણી કરી રૂા.૧ લાખ પડાવી લઈ અને વધુ રકમ આપવી પડશે નહીં તો તારા બિભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ અને આણંદ પંથકના અનેક યુવકોને શિકાર બનાવી રૂપિયા વસુલ્યાની કબુલાત આપતા વધુ તપાસ હાથધરી છે.