સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ચોરી લૂંટફાટના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી લીબડી રાજકોટ હાઇવે ઉપર અવાર-નવાર વાહનચાલકોને લૂંટતી લેવામાં આવતા હોવાની રાવ ઉઠી છે અને તેનો વધુ એક બનાવ સામે આવ્યો છે. લીંબડી – રાજકોટ હાઈવે ઉપર મોડી રાતથી વહેલી સવારના સમય ગાળામાં છ થી સાત અજાણ્યા શખ્સોએ પાંચ થી છ વાહનોને આંતરીને અંદાજે એક લાખ રૂા.ની લૂંટ કર્યાનો બનાવ બનતા સનસનાટી ફેલાઈ હતી. લીંબડી પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત એવી છે કે, લીંબડી હાઈવે ઉપર છાલીયા તળાવ પાસે, નંદનવન હોટલ પાસે તથા અન્ય સ્થળો ઉપર મોડી રાત્રે એક થી ચાર વાગ્યા સુધીના સમયગાળામાં છ થી સાત અજાણ્યા શખ્સોએ લૂંટને અંજામ આપેલ હતો. પાંચ થી છ વાહનોને આંતરીને છરી – બૂંદુકની અણીએ રોકડ દાગીના સહિત અંદાજે રૂા. એક લાખની માલમતાની લૂંટ ચલાવવામાં આવી હતી. વાહન વ્યવહારની ધમધમતા હાઈવે ઉપર લૂંટારાઓ લૂંટ કરીને અંધારામાં ઓગળી ગયા હતા. આ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
આ અંગે લૂંટનો ભોગ બનનાર આઈશર ચાલક રવિ પરમારે પોલીસને જણાવેલ હતું કે, તેઓ આઈશર લઈને વાંકાનેરથી ચીપલી તરફ જતા હતા ત્યારે લીંબડી મેલડી માતાના મંદિર નજીક માતાના દર્શન કરવા અને અગરબતી કરવા ટ્રક ઉભો રાખ્યો હતો. તે વખતે અજાણ્યા લૂંટારાઓએ તેમને બંધક બનાવીને લાકડીથી માર મારી રૂા. 32000 ની રોકડ લૂંટી લીધી હતી.. રાત્રે એક થી ત્રણ વાગ્યા સુધી તેમને બંધક રાખ્યા હતા. છૂટકારો થયા બાદ એમ્બ્યુલન્સને ફોન કરીને હોસ્પીટલમાં સારવાર લીધી હતી.
અન્ય એક ટ્રક ચાલકે જણાવેલ હતુ કે, તેઓ ગોંડલ તરફ જતા હતા ત્યારે નંદનવન હોટલ પાસે ત્રણ ચાર ગાડી રસ્તામાં ઉભી હતી. તેમાંથી કોઈએ પથ્થરનો ઘા કરતા તેમણે ટ્રક રોકયો હતો. ટ્રક ઉભી રહેતા જ તેમને રીવોલ્વોરની અણીએ બંધક બનાવ્યા હતા. અને રૂા. 7000 રોકડા, ચાંદીની લકી, ત્રણ વીંટી તથા સોનાની ચેન લૂંટીને અજાણ્યા શખ્સો અંધારામાં ઓગળી ગયા હતા. લૂંટારૂઓ પાસે રીવોલ્વોર, તલવાર, છરી જેવા હથિયારો હતા. આ રીતે એક જરાતમાં પાંચ થી છ ટ્રક ચાલકો લૂંટાયા હોવાનું જાણવા મળે છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાઇવે ઉપર સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈ અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે લોકો એ આવો કારસો રચ્યો છે તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.