હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોદકના લાડુ સહિતની વિવિધ મિઠાઇઓનું વેંચાણ વધુ માત્રામાં થતું હોવાથી વેપારીઓ ભેળસેળ કરતા હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળેથી મોદકના લાડુ અને તીખા ગાંઠીયા તથા સેવના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રોયલ જન્માષ્ટમી મેળામાંથી વાસી ખાદ્ય સામગ્રી પકડાઇ: આઠ વેપારીઓને નોટિસ ફટકારાઇ
શહેરના સંતકબીર રોડ પર ગોવિંદબાગ રોડ કોર્નર પર કે.ડી.કોમ્પ્લેક્સમાં આવેલા ગજાનન જોધપુર સ્વીટ્સ એન્ડ ફરસાણમાંથી લૂઝ મોદકના લાડુ, વિશ્ર્વનગરમાં ખીજડાવાળા રોડ પર હરભોલે ફરસાણમાંથી મોદકના લાડુ, લુઝ તીખા ગાંઠીયા અને લુઝ સેવનો નમૂનો લેવામાં આવ્યો હતો. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે રોયલ જન્માષ્ટમી મેળામાં ફૂડ સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોટોટે હિંગનો મસાલો, મન્ચુરીયન અને ભૂંગળા બટેટા સહિત કુલ 14 કિલો અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો.
જેનો નાશ કરીને હાઇજેનીંગ ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલાવાળા રોડ પર હોકર્સ ઝોનમાં ચેકીંગ દરમિયાન શુભ દાબેલીમાંથી પાંચ કિલો વાસી ચટણી, સંતોષ ભેળ એન્ડ પાણીપુરીમાંથી સાત લીટર વાસી પાણીપુરીનું મીઠુ પાણી, આશાપુર ચાઇનીઝ એન્ડ પંજાબીમાંથી 6 કિલો વાસી મન્ચુરીયનનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત હરભોલે ફરસાણમાં ચેકીંગ દરમિયાન પેકઝ્ડ ખાદ્ય-ચીજો પર લેવલ દર્શાવી તેનું વેંચાણ કરવા તાકીદ કરાઇ હતી. જ્યારે રેસકોર્ષ રીંગ રોડ પર રાજદીપ આઇસ્ક્રીમ કોલ્ડ્રીંક્સને નોટિસ આપવામાં આવી છે. શહેરના રેલવે જંક્શન વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જય મોમાઇ કોલ્ડ્રીંક્સ, ગુરૂ નાનક નાસ્તા હાઉસ, મુરલીધર નાસ્તા હાઉસ, બાલાજી કોલ્ડ્રીંક્સ, રામ કોલ્ડ્રીંક્સ, બાલાજી પાઉંભાજી, ગાત્રાળ ગાંઠીયા અને જલારામ ગાંઠીયાને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.