ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં થતાં વિધ્નહર્તાના વિસર્જનમાં ત્રણ ડુબ્યા
મોરબી રોડ પર બેડી ચોકડી પાસે પાણી ભરેલા ખાડામાં બે ડુબ્યા એક લાપતા: ત્રંબાની ત્રિવેણી નદીમાં ડુબી જતાં સ્વામીનારાયણ ચોકના યુવકનું મોત
આજી ડેમ પાસે આવેલી ખાણ, વાગુદડ પાસેની નદી, જખરાપીર પાસેનું તળાવ અને હનુમાનધાર પાસે ફાયર બ્રિગેડ સ્ટાફે ૬,૪૪૫ મૂર્તિનું વિસર્જન કરાવ્યું
શહેરમાં ભાવિકો દ્વારા ભારે આસ્થા સાથે ગણેશજીનું સ્થાપન કર્યા બાદ ગઇકાલે વિસર્જન કરવાનું હોવાથી દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન ડુબી જવાની બનતી દુર્ઘટના અંગે ‘અબતક’ દ્વારા દહેશત વ્યકત કરવામાં આવી હતી અને તંત્રને અગમચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો હોવા છતાં વિધ્નહર્તાના વિસર્જન દરમિયાન મોરબી રોડ પર અને ત્રંબા પાસેની નદીમાં યુવકો ડુબી જવાની ઘટના પ્રકાશમાં આવતા તંત્રની લાપરવાહી સામે આવી છે તેમજ ઉત્સાહના અતિરેકના કારણે જીવ ગુમાવતા યુવકના પરિવારમાં કણાંતિકા સર્જાય છે.
શહેરમાં ગણેશજીનું સ્થાપન ધામધૂમે કરી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન યુવકો ઉંડા પાણીમાં ગરક થઇ જતા હોવાથી ગત તા.૧૧મીના અંકમાં દુર્ધટના અંગે સવિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કરી અગમચેતીની કાર્યવાહી કરવા તંત્રને ઢંઢોળ્યું હતું તેમજ ગણેશજીનું સ્થાપન કરતા ભાવિક પરિવારોને પણ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગણેશ વિસર્જન દરમિયાન કોઇ દુર્ઘટના ન બે તે માટે પોલીસ દ્વારા આજી ડેમ ઓવરફલો આગળ આવેલા પાણીના ખાડામાં, જામનગર રોડ પર આવેલા હનુમાનધારા, મવડી નજીક જખરાપીરની દરગાહ પાસે, કાલાવડ રોડ પર વાગુદડ સહિતના પાંચ સ્થળે ગણેશ વિસર્જન માટે નક્કી કરાયું હતું અને પાંચેય સ્થળે પોલીસનો બંદોબસ્ત અને ફાયર બ્રિગેડના તરવૈયાને તહેનાત કરવામાં આવ્યા હતા. કોઇ દુર્ઘટના ન સર્જાયા તે માટેની પાંચ સ્થળે જ તકેદારી રાખી હતી.
આ વર્ષે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાડા હોવાથી નજીકના સ્થળે લોકો વિસર્જન કરવાનું શ કરતા તંત્રની વ્યવસ્થા ખોળવાય હતી મોરબી રોડ પર બેડી ચોકડી પાસે આવેલા નદીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજય ભરવાડ અને મયુર સુરેજા ડુબી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.
બેડી નજીક રહેતા મયુર રતિભાઇ સુરેજાને ત્યાં ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગઇકાલે પોતાને ત્યાં કામ કરતા કારીગર વિજય મેઘાભાઇ ભરવાડ સાથે ગણેશ વિસર્જન કરવા નદીમાં ગયા હતા ત્યારે પોલીસનો બંદોબસ્ત ન હતો તેમજ ફાયર બ્રિગેડના તરવૈયા પણ ન હતા ગણેશજીની મૂર્તિ સાથે બંને ઉંડા પાણીમાં જતા હતા ત્યારે મયુર સુરેજાના ભાઇ રવિએ ઉંડા પાણીમાં ન જવાનું કહેવા છતાં બંને મૂર્તિ સાથે ઉંડા પાણીમાં જતા બંને ડુબતા ફાયર બ્રિગેડને જાણ કરતા વિજય ભરવાડને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે મયુર સુરેજાની શોધખોળ હાથ ધરી છે.
જયારે ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ખાતે આવેલી ત્રિવેણી નદીમાં મવડી રોડ પર આવેલા સ્વામીનારાયણ ચોકના વિજયભાઇ ઘોઘાભાઇ પરમાર નામનો ૩૦ વર્ષનો યુવાન ગણેશ વિસર્જન દરમિયાન ડુબી જતા મોત નીપજયાનું પોલીસમાં નોંધાયું છે.
મૃતક વિજયભાઇ પરમારના સંત કબીર રોડ પર આર્યનગરમાં રહેતા સાઢુભાઇ નરેશભાઇના ઘરે ગણપતિનું સ્થાપન કર્યુ હોવાથી પરિવાર સાથે આજી ડેમ ખાતે વિસર્જન કરવા ગયા હતા પણ ત્યાં ભારે ટ્રાફિકના કારણે ત્રંબા ખાતેની ત્રિવેણી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્યારે તેઓ ડુબી જતા મોત નીપજ્યું હતું.
દુર્ઘટના સર્જાઇ તે સ્થળ પર પોલિસનો બંદોબસ્ત હોય અને યુવાનોને ઉંડા પાણીમાં જવા દેવાની મનાઇ હોવા છતા યુવાનનું ડૂબી જવાથી મોત નિપજતા તંત્રના ઉચ્ચ અધિકારી લાપરવાહ પોલિસકર્મી સામે આકરા પગલા ભરશે?