ગણપતિ મહોત્સવ પૂર્ણ થવાના આડે હવે બે દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ સાત સ્થળોએ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુરૂવારે સવારે 9:00થી લઇ રાત્રે જ્યાં સુધી ગણેશ વિસર્જનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ સાતેય સ્થળોએ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાનો કાફલો તૈનાત રહેશે.
આજી ડેમ ખાતે અલગ-અલગ ચાર સ્થળે, જખરાપીર, વાગુદળ અને ન્યારી ડેમ ખાતે વિસર્જન થઇ શકશે: કોર્પોરેશનનો સ્ટાફ તમામ સ્થળે રહેશે તૈનાત
આ અંગે વધુ માહિતી આપતા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ સાત સ્થળ નિયત કરવામાં આવ્યા છે. જેમાં આજી ડેમ ખાતે ખાણ નં.1, 2 અને 3 ઉપરાંત રવિવારી બજારના પાછળના ભાગે જ્યાં કૃત્રિમ તળાવ ઉભું કરવામાં આવ્યું છે ત્યાં ભક્તો ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકશે. આ ઉપરાંત કાલાવડ રોડ પર બાલાજી વેફર્સની સામે વાગુદળના રસ્તા તરફ આવેલા ન્યારી ડેમના ઓવરફ્લો પાસે થતાં સ્થળે, પાળ રોડ પર જખરાપીરની જગ્યા પાસે અને ન્યારી ડેમ ખાતે ખાણ તરફ વિસર્જન કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવારથી તમામ સ્થળોએ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાના 80 થી વધુ લોકો સુરક્ષા અને મૂર્તિ વિસર્જન માટે સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. તમામ સ્થળોએ મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેઇન ઉપરાંત બોટ, લાઇફ જેકેટ સહિતની સુવિધાઓ રાખવામાં આવશે. જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને.