વિસર્જન વેળાએ કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર પણ સજજ
સતત ૧૦ દિવસ પૂજા, અર્ચના કર્યા બાદ ૧૧માં દિવસે ભાવિકો ભારે હૈયે વિઘ્નહર્તાનું શાસ્ત્રોકત વિધિથી આસ્થાભેર વિસર્જન કરશે
ગણેશ મહોત્સવ હાલ અંતિમ તબકકામાં ચાલી રહ્યો છે. આજે ગણેશ મહોત્સવનો આઠમો દિવસ છે. ત્યારે અગીયારમાં દિવસે એટલે કે આગામી રવિવારે દુંદાળાદેવનું ભાવિકો દ્વારા ભારે હૈયે શાસ્ત્રોકત વિધિથી આસ્થાભેર વિસર્જન કરવામાં આવશે. વિસર્જન વેળાએ કોઈ પણ પ્રકારનાં અનઈચ્છાનિય બનાવ ન બને તે માટે તંત્ર પણ સજજ બન્યું છે.
ઠરે ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. છેલ્લા આઠ દિવસથી ગણેશજીના પંડાલો પૂજા, અર્ચના અને આરાધનાથી ધમધમી રહ્યા છે. દરરોજ સવારે અને સાંજે વિઘ્નહર્તાની મહાઆરતી કરવામાં આવે છે. સાથે પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો પંડાલોમાં ઉમટી પડીને ધર્મલાભ લઈ રહ્યા છે. અનેક ગણેશ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભાવિકો ગણેશજીની ભકિત સાથે રાસ ગરબા સહિતના કાર્યક્રમો માણે છે.
અનેક વિસ્તારોમાં પંડાલોમાં ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યા છે. ઉપરાંત અનેક ભાવિકો પોતાના નિવાસ સ્થાને વિઘ્નહર્તાનું સ્થાપન કરી ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે. મોટાભાગનાં ગણેશ મહોત્સવ ૧૧ દિવસનાં છે. જેમાં સતત ૧૦ દિવસ સુધી વિઘ્નહર્તાની ભકિત કર્યા બાદ ૧૧માં દિવસે એટલે કે આગામી રવિવારના રોજ વિસર્જન કરવામાં આવશે.
રવિવારના રોજ વાજતે ગાજતે રાસ ગરબાના તાલે અબીલ ગુલાલની છોળો ઉડાડી ભાવિકો વિસર્જન સ્થળે પહોચશે. બાદમાંઆ સ્થળે શાસ્ત્રોકત વિધિથી દુંદાળાદેવનું ભારે હૈયે આસ્થાભેર વિસર્જન કરવામાં આવશે. વિસર્જન વખતે કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. અનેક શહેરોમાં તો તંત્ર દ્વારા કલેકશન સ્થળો નકકી કરવામાં આવ્યા છે. જયાંથી ગણેશજીની મૂર્તિ કલેકટ કરવામાં આવશે. બાદમાં તંત્ર દ્વારા જ ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે.
ઉપરાંત જે શહેરોમાં ભાવિકોને વિસર્જન કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્તની સાથે ફાયર બ્રિગેડની તેમજ પીજીવીસીએલની ટીમને તૈનાત રાખવામાં આવી છે. ઉપરાંત ક્રેન અને બોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.